અમદાવાદઃ આપના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ૧૫મી ઓક્ટોબરથી રાજ્યની ત્રિવસીય મુલાકાત લીધી હતી. ૧૫મીએ સવારે મહેસાણામાં ઉંઝાના ઉમિયા માતાના મંદિરમાં દર્શન કર્યા હતા. અહીં પાટીદારોને રિઝવવા આવેલા કેજરીને પાટીદારોના જ ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એ પછી બુટલેગરોના ત્રાસથી આત્મહત્યા કરનારા કામલી ગામના પોલીસ કોન્સ્ટેબલ નાગજી ઠાકોર પરિવારની તેમણે મુલાકાત લીધી હતી. મહેસાણાથી અમદાવાદ આવેલા કેજરીવાલે પાટીદાર અનામત આંદોલનના તોફાનમાં મૃત્યુ પામનારા નિમિશ પટેલ, શ્વેતાંગ પટેલ તથા પ્રહલાદજી ઠાકોરના પરિવારની મુલાકાત લઈને કહ્યું કે, યુવકોના પરિવારને ઉચિત વળતર મળવું જોઈએ. ગુજરાતમાં પોતાના વિરોધ બાબતે કહ્યું કે, અહીં મારો વિરોધ અમીત શાહ કરાવે છે. કેજરીના આગમન અગાઉ ભાજપના કાર્યકરોએ અહીં કાળા વાવટા ફરકાવતાં પોલીસે તેમની અટકાયત કરી હતી.
બીજે દિવસે કેજરીવાલ વડોદરા પહોંચ્યા ત્યારે તેમને સખત તાવ હતો તેથી તેમણે આરામ લેવાનું પસંદ કર્યું હતું. વડોદરાથી સુરત પહોંચેલા કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. સુરતમાં નકલી દારૂના કારણે ૧૯ યુવાનો મૃત્યુ પામ્યા. જોકે અહીં પણ તેમની સભાને ફીકો પ્રતિસાદ મળ્યો હતો. કેજરીવાલના આ પ્રવાસ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેજરીવાલની રાજ્ય મુલાકાત ફ્લોપ ગણાવી હતી.


