અમદાવાદઃ કેજીએન ગ્રૂપે બેંક સાથે કરેલા ફ્રોડને પરિણામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તાજેતરમાં કંપનીની રૂ. ૩૪ કરોડની મિલકતો ટાંચમાં લીધી હતી. બાયોટોર ઈન્ડસ્ટ્રીઝ સાથે બેંક સાથેના ફ્રોડ સંદર્ભે કેજીએનની તપાસ કરાયા પછી કંપનીની મિલકતો ટાંચમાં લેવાઈ હતી. બાયોટોર ઈન્ડ.ના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ એમ કાપડિયા અને અન્યો સામે પણ ગુજરાત પોલીસે ફ્રોડના કેસમાં તપાસ આદરી દીધી હતી.
આ કેસમાં સીબીઆઈએ પણ તપાસ કરી હતી. આ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ કેસના આરોપીએ ૨૦૦૭થી ૨૦૦૯ના સમયગાળામાં બોગસ બિલ બનાવીને રૂ. ૨૫૦ કરોડની રકમની ઉચાપત કરી હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું. કેજીએન ગ્રુપના માલિક આરિફ ઈસ્માઈલભાઈ મેમરે રાજેશ કાપડિયા અને અન્યો સાથે મળીને ગુનાઈત પ્રક્રિયા મારફત હસ્તગત કરેલી મિલકતોને ઠેકાણે પાડવા સરક્યુલર પેપર ટ્રાન્ઝેક્શન બતાવ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો આ નાણા એક હાથમાંથી બીજા હાથમાં અને બીજા હાથમાંથી ત્રીજા હાથમાં ફરતા રહ્યા હોવાના સંખ્યાબંધ વ્યવહારો કાગળ પર જ બતાવી દીધા હતા.

