તાજેતરમાં જ યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલાક વિચિત્ર નિયમોનો ફાયદો ઉમેદવારોને મળવાનો છે. જે જિલ્લા પંચાયતનાં પ્રમુખની સીટ SC માટે અનામત છે એવી જગ્યાએ કોંગીનો એકેય જીતેલો ઉમેદવાર SCનો નથી તેથી આ બેઠકો માટેના નિર્ણયોમાં પરિવર્તન થશે. ચૂંટણીમાં કેટલીક જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનો વિજય થયો હોવા છતાં તેઓ શાસન સંભાળી શકશે નહીં, પરંતુ એક કે બે બેઠક ઓછી હોવા છતાં ભાજપનો કબજો રહેશે. નિયમોમાં રહેલી વિચિત્રતાને કારણે કોઇને ફાયદો તો કોઈને નુકસાન થવાનું છે. આ અંગેની જાણ હવે જે-તે પક્ષને થશે.
ઉદાહરણ તરીકે મહેસાણા જિલ્લામાં સતલાસણ જિલ્લા પંચાયતની કુલ ૧૫ પૈકીમાંથી ભાજપ-કોંગ્રેસને ૭-૭ જ્યારે અપક્ષને ૧ બેઠક મળી હતી. સતલાસણ જિલ્લા પંચાયતનાં પ્રમુખની બેઠક અઢી વર્ષ માટે અનામત છે. આથી SCનો જીતેલો ઉમેદવાર જ પ્રમુખ બની શકે છે. પરંતુ કોંગ્રેસ પાસે એક પણ જીતેલો ઉમેદવાર SCનો નથી. તમામ વિજેતાઓ સામાન્ય કેટેગરીના છે. હવે જો અપક્ષ કોંગ્રેસને ટેકો આપે તો પણ કોંગ્રેસ જિલ્લા પંચાયતની ધૂરા સંભાળી શકશે નહીં. તેનાથી ઉલટું, ભાજપ પાસે એક બેઠક ઓછી હોવા છતાં વિજેતાઓમાં તેની પાસે SCનો એક ઉમેદવાર હોવાથી તે પ્રમુખપદ સંભાળશે. સતલાસણ સહિત રાજ્યમાં આવી લગભગ ચારથી પાંચ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપ આ રીતે શાસન સંભાળી લેશે.