અમદાવાદઃ દેશની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની કેડિલાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી અને તેમના પત્ની મોનિકા ગરવારેનાં દાંપત્યજીવનનો ૩૦મી ઓક્ટોબરે વિધિવત રીતે અંત આવ્યો હતો. રાજીવ મોદી અને મોનિકા ગરવાર ૨૬ વર્ષ પહેલાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. અઢી દાયકાથી પણ વધુના લગ્નજીવનમાં સર્જાયેલા મતભેદો અને તિરાડો એટલી હદે વધી ગયા હતા કે સાથે આગળ વધવું અશક્ય લાગતાં તેમણે પારસ્પરિક સહમતિથી સંયુક્ત રીતે અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. તમામ હકદાવા જતા કરવા માટે મોનિકા ગરવારેને રૂ. ૨૦૦ કરોડ રાજીવ તરફથી ચૂકવવામાં આવે તે શરતે છૂટાછેડા નક્કી કરાયા હતા. આ છૂટાછેડા ગુજરાતના અત્યાર સુધીના સૌથી મોંઘા છૂટાછેડા છે. ફેમિલી કોર્ટના જજ એમ. જે. પરીખે રાજીવ-મોનિકાના છૂટાછેડા પર મંજૂરીની મહોર મારી હતી. કોર્ટે દંપતીને અપાયેલો કૂલિંગ પીરિયડ રદ કરી વહેલા છૂટાછેડા આપ્યા હતા. રાજીવ અને મોનિકાને લગભગ ત્રીજી સુનાવણીમાં જ છૂટાછેડા મળ્યા છે. બન્ને વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યાની થોડી કલાકોમાં તેઓ છૂટાછેડાના નિર્ણય પર આવ્યા હતા. જેના અનુસંધાને આશ્રમ રોડ સ્થિત ફેમિલી કોર્ટમાં સાતમી સપ્ટેમ્બરે છૂટાછેડા માટે અરજી કરી હતી. પારસ્પરિક સહમતિથી છૂટાછેડાનો નિર્ણય કરાયો હોવાની રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી હતી. સામાન્ય રીતે છૂટાછેડાના કિસ્સામાં છ મહિનાનો કૂલિંગ પીરિયડ આપવામાં આવે છે, પરંતુ દંપતીની રજૂઆત હતી કે તેમના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યા છે. ઉપરાંત વર્ષ ૨૦૧૨થી તેમની વચ્ચે પતિ-પત્ની તરીકેના કોઈ સંબંધો નથી. આ પ્રકારની કેફિયતને ધ્યાને લઈ કોર્ટે દંપતીનો ઝડપી લગ્નવિચ્છેદ માન્ય રાખ્યો હતો.
સમાધાનની રકમ તરીકે નક્કી કરાયેલા રૂ. ૨૦૦ કરોડ રાજીવ મોદીએ બેન્ક ઓફ બરોડાની આંબાવાડી શાખામાં એસ્ક્રો એકાઉન્ટ ખોલાવી જમા કરાવ્યા હતા. જેની વિગતો બન્ને પક્ષે નિયુક્ત કરાયેલા એસ્ક્રો એજન્ટ પાસે છે.
રાજીવ - મોનિકા કોણ?
રાજીવ કેડિલા ફાર્માસ્યુટિકલના સ્થાપક ઇન્દ્રવદન મોદીના પુત્ર છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (મુંબઈ)થી કેમિકલ એન્જિનિયરીંગમાં ગ્રેજ્યુએશન, લંડનની યુનિવર્સિટીમાંથી બાયોકેમિકલ એન્જિનિયરીંગમાં માસ્ટર્સ અને અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનમાંથી બાયોલોજીકલ સાયન્સમાં પી.એચ.ડી.નું શિક્ષણ લીધું છે. મોનિકા ગરવારે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ શશિકાંત ગરવારેનાં પુત્રી છે. તેમણે ન્યૂ યોર્કની વેસ્સાર કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને માસ્ટર્સ ન્યૂ યોર્કની પેસ યુનિર્સિટીમાંથી કર્યું છે.
ગરવારે પોલિસ્ટર લિમિટેડમાં મોનિકા ગરવારે જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટરનો હોદ્દો પણ સંભાળે છે. ગરવારે ફેમિલી પોલિસ્ટર ડિજીટલ પ્રિન્ટેબલ ફિલ્મ, સન કન્ટ્રોલ ફિલ્મ સહિતના ઉત્પાદનો માટે ઘણા દેશોમાં જાણીતું છે.


