કેનેડા-અમેરિકા સરહદે ગેરકાયદે ઘૂસણખોરીઃ ગુજરાતી પરિવારના ચારના મૃત્યુ

Wednesday 26th January 2022 06:25 EST
 
 

અમદાવાદઃ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરી રહેલા ગુજરાતી પરિવારના ચાર સભ્યોના કાતિલ ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ નીપજ્યાની હૃદયદ્રાવક ઘટનાએ સહુ કોઇને હચમચાવી નાંખ્યા છે. આ બનાવ બન્યો તે સ્થળે માઇનસ ૩૫ ડિગ્રી તાપમાન હતું અને મૃતક પરિવાર અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા મોટા જૂથથી અલગ પડી ગયો હોવાનું મનાય છે. બીજી તરફ, આ પરિવાર ઉત્તર ગુજરાતના કલોલ તાલુકાના ડીંગુચાનો વતની હોવાનું તપાસમાં ખૂલતાં જ ગુજરાતનું પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે.
ગુજરાતના પોલીસ વડાએ કેસની તપાસ સીઆઇડી (ક્રાઇમ)ને સોંપીને કલોલ તાલુકાના ડીંગુચામાં રહેતા પટેલ પરિવારને ગેરકાયદે અમેરિકા મોકલવાના કૌભાંડમાં સંકળાયેલા સ્થાનિક એજન્ટોથી માંડીને કેસની તમામ બાબતોની તપાસવા આદેશ કર્યા છે. સાથે સાથે જ ગુજરાત પોલીસે અમેરિકાની તપાસ એજન્સીનો સંપર્ક કરીને તેમની પાસેથી વિગતો મંગાવી છે.
એનઆરઆઇનું ગામ
ડીંગુચા ગામ ખોબા જેવડું છે, પણ એનઆરઆઇનું ગામ ગણાય છે. અહીંના મોટા ભાગના ઘરોમાંથી કોઇને કોઇ વ્યકિત પરદેશમાં, અને તેમાં પણ ખાસ તો અમેરિકામાં વસે છે. આ જ કારણ છે કે જે વ્યક્તિ કાયદેસર વિદેશ જઇને વસવાટ કરવા સક્ષમ નથી તે ગેરકાયદે દરિયાપારના દેશ પહોંચવા પ્રયાસ કરે છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની જગદીશ પટેલ (૩૫) તેમની પત્ની વૈશાલી પટેલ (૩૩), પુત્રી વિહાંગી (૧૩) અને પુત્ર ધાર્મિક (૩) સાથે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી માટે કેનેડાના રસ્તે જઇ રહ્યા હતા. તે સમયે અતિશય ઠંડી અને બરફવર્ષાને કારણે મોત નીપજ્યા હતા. અમેરિકી એજન્સીની તપાસમાં ગુજરાત, કેનેડા અને અમેરિકાના એજન્ટોની સંડોવણી બહાર આવી છે.
લાખો રૂપિયાના ખર્ચે બનાવટી દસ્તાવેજો
તપાસમાં ખૂલ્યું છે કે મૃતક જગદીશ પટેલે કલોલના પલિયડના તેમજ અન્ય એજન્ટને લાખો રૂપિયા આપીને બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા. એજન્ટે ચારેયને કેનેડા મોકલીને ત્યાંથી તમામને ગેરકાયદે અમેરિકામાં ઘુસણખોરી કરાવવાની ખાતરી આપી હતી. કમનસીબે જગદીશભાઇ પત્ની અને બે માસૂમ બાળકો સાથે અમેરિકા પહોંચે તે પહેલા જ મોતને ભેટયા છે.
આ સમાચાર ડીંગુચા ગામે પહોંચતા જ પટેલ પરિવારે ચાર સભ્યો ગુમ હોવાના મામલે ભારતીય એમ્બેસીમાં મેઇલથી જાણ કરી છે. ગુમ થનાર જગદીશ પટેલના પરિવાર અંગે ગામના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ પરિવાર દસેક દિવસ અગાઉ કેનેડા જવા નીકળ્યો હતો અને તેઓનો ચાર દિવસથી સંપર્ક નહોતો. કેસમાં અમેરિકી તપાસ એજન્સીએ સાત જેટલા એજન્ટની ધરપકડ કરી છે. ડીંગુચાનો વતની આ પરિવાર છેલ્લે કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા ગ્રીન સિટી વિભાગ-૧માં રહેતો હતો. તેઓ ગામડે ઉત્તરાયણ કરવા જઇ રહ્યા હોવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા નહોતા.
ગુજરાતમાં તપાસનો ધમધમાટ
કૌભાંડના તાર ગુજરાત સાથે જોડાતા પોલીસ વડા આશિષ ભાટીયાએ સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી છે. જેમાં જગદીશભાઇને અમેરિકા મોકલવાની કામગીરી કરનાર એજન્ટ, બનાવટી દસ્તાવેજો તૈયાર કરનાર, તેમજ અમેરિકા અને ભારતના એજન્ટોને જોડતી કડી સહિતની વિગતો મેળવવાના આદેશ અપાયા છે. પોલીસ વડાએ જણાવ્યું હતું કે આ મામલો ખુબ ગભીર છે, જેથી તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપી છે અને સમગ્ર કૌભાંડને બહાર લાવવામાં આવશે. જેમાં મહેસાણા, ગાંધીનગર કે અન્ય જિલ્લાઓમાં રહેતા એજન્ટ કે અન્ય જવાબદાર સામે આકરા પગલા ભરવામાં આવશે. સાથે સાથે જ અન્ય કોઇ લોકો ગેરકાયદે રીતે ઘુસણખોરી કરી ચુક્યા છે કે નહીં તે અંગે માહિતી મેળવવામાં આવશે.
ધરપકડ અમેરિકામાં થઇ, રેલો કેનેડા પહોંચ્યો
કેનેડાથી અમેરિકામાં થતી માનવ દાણચોરીના કેસમાં અમેરિકી સત્તાવાળાએ ગયા સપ્તાહે છ ગુજરાતી સહિત સાતની અટકાયત કરી હતી. આ અટકાયતીઓને ભારતીય દૂતાવાસની મદદ મળી શકે (કોન્સ્યુલર એક્સેસ) મળે તેવી ભારતે માગણી કર્યાના અહેવાલ છે. અટકાયતમાં લેવાયેલા લોકો પાસે કોઇ દસ્તાવેજ નહોતા. અમેરિકી તંત્રે ૧૯ જાન્યુઆરીના રોજ મિન્નેસોટા પ્રાંતમાંથી કેનેડાની સરહદ નજીકથી તેમની અટકાયત કરી હતી. કાતિલ ઠંડીથી બીમાર પડયા હોવાથી સાત પૈકી બે લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બંને પૈકી એકને હોસ્પિટલમાંથી રજા મળી ચુકી છે.
અમેરિકામાં સત્તાવાળાએ આ સાત લોકોની અટકાયત કર્યા બાદ કેનેડાના સત્તાવાળાને જાણ કરતાં તેમણે પણ કેનેડાની સરહદે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કેનેડાના સત્તાવાળાને મેનિટોબા પ્રાંતમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા. તેમાં એક સ્ત્રી, એક પુરુષ, એક ટીનેજર અને એક માસુમ શિશુનો સમાવેશ થતો હતો. કાતિલ ઠંડીએ તેમનો ભોગ લીધો હતો. બાદમાં આ લોકોની ઓળખ જગદીશ પટેલના પરિવાર તરીકે થઇ હોવાનું મનાય છે.
અમેરિકી પોલીસે ઝડપેલું જૂથ ગુજરાતી ભાષી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ જૂથ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશી રહ્યું હતું. તે પૈકીની બે વ્યક્તિ અમેરિકાના નાગરિક સ્ટિવ શાન્ડ (૪૭)ના વાહનમાં બેસીને આગળની સફર માટે નીકળી ચુક્યા હતા. પરંતુ અમેરિકી સત્તાવાળાએ શાન્ડના વાહનને પૂછપરછ માટે ઉભું રાખતાં હકીકત બહાર આવી હતી. માનવ દાણચોરીમાં શાન્ડની ભૂમિકાની તપાસ થઇ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter