કેનેડા સરહદે ગુજરાતી અને રોમાનિયન સભ્યોના મોતની તપાસ ઈચ્છતા ટ્રુડો

Saturday 15th April 2023 12:46 EDT
 
 

ઓટાવાઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ યુએસ-કેનેડાની સરહદે ભારતીય અને રોમાનિયન પરિવારોના મોત અંગે તપાસ થવી જોઈએ તેમ જણાવ્યું છે. ગત સપ્તાહે યુએસમાં ગેરકાયદે ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન ગુજરાતના વતની એવા ચાર સભ્યોના પરિવાર સહિત આઠ વ્યક્તિના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. રેફ્યુજી અને ઈમિગ્રેશન બચાવ જૂથોએ આક્ષેપ કર્યો છે કે સરહદની કડક નીતિઓ અને ગેરકાયદે હેરફેર બંધ કરી દેવાયાથી આ મોત થયા છે.
વડા પ્રધાન ટ્રુડોએ યુએસમાં ગેરકાયદે પ્રવેશ દરમિયાન આઠ વ્યક્તિના મોતની તપાસની માગણી કરતા કહ્યું છે કે, ‘આઠ વ્યક્તિના મોત બાબતે તપાસની જરૂર છે. આ પરિવારો સાથે જે થયું છે તે ભારે આઘાતજનક છે. સરકારો અને કેનેડિયન્સ તરીકે આપણે લોકોને સહીસલામત રાખવા તમામ કરવું જોઈએ.’ કેનેડા સરકારની કડક સરહદી નીતિઓના પરિણામે આ મોત થયાનો આક્ષેપ રેફ્યુજી અને ઈમિગ્રેશન બચાવ જૂથોએ કર્યાના પગલે આ નિવેદન આવ્યું છે. જોકે, ટ્રુડોએ કહ્યું હતું કે એક્વેસ્ને વિસ્તારમાં મોત અને રોક્સામ રોડ બંધ કરી દેવાયા વચ્ચે કોઈ સંબંધ હોવાનું કહેવું કવેળાનું છે. આવી અટકળો પૂર્વે બરાબર તપાસ કરવી રહી. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના વિજાપુર જિલ્લાના દોભલા માણેકપુરા ગામના પ્રવીણ ચૌધરી (50), તેમના પત્ની દિક્ષા (45), પુત્ર મીત (20) અને પુત્રી વિધિ (24)નો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter