અમદાવાદ: મણિનગરમાં રહેતી શિલ્પા પટેલ નામની મહિલાના પતિને બબ્બે વાર કેન્સર થયું અને ઘરમાં આવક બંધ થઇ ગઇ. જેથી શિલ્પાબહેન અને કોલેજના પહેલા વર્ષમાં ભણતી તેમની એકની એક દીકરીનો અવિરત સંઘર્ષ શરૂ થયો. પરિસ્થિતિ સામે હિંમત ન હારતા શિલ્પાબહેને રસ્તા પર ચાની કિટલી શરૂ કરી!
આશરે ૪ વર્ષ પહેલાં શિલ્પાબહેનના પતિ શૌરીન પટેલને ગળાનું કેન્સર થયું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી ત્યારે ખાસ્સો ખર્ચો થયો, પણ સારવાર સાર્થક ન નીવડી અને ગળાનું કેન્સર આંતરડા સુધી ફેલાઈ ગયું. પતિની આવક બંધ થઈ અને શિલ્પાબહેને આવકનું સાધન શોધી નાંખ્યું.
સંજોગો સામે લડત
પતિની કિમોથેરાપીની સારવારનો મહિને ઓછામાં ઓછો રૂ. ૪૦ હજાર ખર્ચ થતો હતો એટલે ચા બનાવીને એમણે શક્ય એટલી આવક રળવાનું શરૂ કર્યું. શિલ્પાબહેનની કિટલી સ્ટેડિયમ પેટ્રોલપંપ પાસે સારી કહી શકાય એ રીતે ચાલતી હતી. એવામાં દબાણ હટાવ ઝુંબેશમાં એમનો ધંધો બંધ થઇ ગયો. છતાંય શિલ્પાબહેને ફરી રસ્તાની બાજુમાં ટેબલ લગાવી ચા બનાવીને વેચવાનું શરૂ કર્યું. આજે પણ તે રોજ મણિનગરથી સ્ટેડિયમ આવે છે ને સવારથી સાંજ સુધી કિટલી ચલાવે છે. એમના આ શ્રમયજ્ઞ દરમ્યાન હોસ્પિટલના બિછાને પડેલા શૌરીન પટેલની દેખરેખ રાખવા એમની દીકરી કોલેજના અભ્યાસના ભોગે પણ આખો દિવસ હાજર રહે છે.


