ગાંધીનગર: લોકસભા ચૂંટણીમં એક પ્રધાન સહિત ચાર ધારાસભ્યો સાસંદ તરીકે ચૂંટાયા બાદ ગુજરાતમાં પ્રધાનમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે ૧૪મી વિધાનસભાના ચોથા અને વર્તમાન સરકારના બીજા બજેટ સત્રની શરૂઆત બીજી જુલાઈથી કરવા રાજ્યપાલે આહવાન કર્યું હતું.
વૈધાનિક અને સંસદિય બાબતોના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સત્રના આરંભે બીજી જુલાઈના રોજ જ નાણા પ્રધાન નીતિનભાઈ પટેલ વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ વિધાનસભાની મંજૂરી અર્થે રજૂ કરશે. ફેબ્રુઆરી મહિનામાં તેમણે એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ચાર મહિના માટે સરકારના વહીવટી ખર્ચ માટે લેખાનુદાન મંજૂર કરાવ્યું હતું. ૨૫ જુલાઈ સુધી યોજનારા બજેટ સત્રમાં કુલ ૨૦ બેઠક મળશે. જે દરમિયાન બજેટ, સરકારી કાયદાઓ તેમજ બિનસરકારી કામકાજ હેઠળ જનપ્રતિનિધિઓના પ્રસ્તાવો ઉપર કરાશે. વિધાનસભાના આગામી સત્રમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ શકે તેમ છે.

