કેમ છો ટ્રમ્પ! હેલિકોપ્ટરથી મોટેરા સ્ટેડિયમમાં યુએસ પ્રમુખ ટ્રમ્પ એન્ટ્રી લેશે

Tuesday 11th February 2020 06:08 EST
 
 

નવી દિલ્હી-ગાંધીનગરઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મહાભિયોગની કાનૂની કાર્યવાહીમાં વિજયી થતાંની સાથે જ તેમની ભારત-ગુજરાત યાત્રા અંગે પ્રવર્તતી અવઢવ દૂર થઈ છે. ફેબ્રુઆરીનાં અંતમાં ટ્રમ્પ ભારત-ગુજરાતની મુલાકાત લેશે. ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલેનિયા ૨૪ અને ૨૫મી ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવશે. એવી ટ્વિટ વ્હાઈટ હાઉસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ૧૧મી ફેબ્રુઆરીએ થઈ હતી. ભારત પ્રવાસ દરમિયાન ટ્રમ્પ દંપતી અને યુએસ ડેલિગેશન દિલ્હી અને અમદાવાદની મુલાકાત લેશે.
મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન
ટ્રમ્પ હેલિકોપ્ટરથી અમદાવાદ આવશે અને મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. મોદી ટ્રમ્પની સાથે જ હશે. આ ઉપરાંત તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે. તેથી હવે કેન્દ્રીય વિદેશ મંત્રાલયના ટોચના અધિકારીઓની ટીમ અમદાવાદ એરપોર્ટ, ગાંધી આશ્રમ તથા મોટેરા સ્ટેડિયમના સ્થળે તપાસ માટે સાબદી બની છે. ટ્રમ્પની વિઝિટ પહેલાં સુરક્ષા અને સ્થળ તપાસની ટીમ ટૂંક સમયમાં અમદાવાદ પહોંચી જશે. ગુજરાતમાં ટ્રમ્પના સ્વાગત માટે તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં પરંપરાગત નૃત્યોથી તેમનું સ્વાગત થશે. રાજ્યનો સાંસ્કૃતિક વિભાગ અલગ અલગ જગાએ સ્ટેજ બનાવી વિવિધ કળાવૃંદો દ્વારા ભાતીગળ ઝાંખી રજૂ કરવા તૈયારી કરી રહ્યું છે.
ડફનાળા સુધી રોડ-શો યોજાઈ શકે
ભૂતકાળમાં જાપાની વડા પ્રધાન શિંજો એબે પત્ની સાથે અમદાવાદ આવ્યા ત્યારે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી ઓપન ‘કેવલકેડ’ કાફલામાં લોકોનું અભિવાદન ઝીલતા ગયા હતા, પણ ટ્રમ્પ સામે વધુ જોખમ હોવાથી મોટેભાગે ડફનાળા સુધી રોડ-શો યોજાઈ શકે છે.
સેવન લેયરનું સુરક્ષા ચક્ર
હાલની ચર્ચા પ્રમાણે ટ્રમ્પ અમદાવાદમાં ગણતરીના કલાકો જ પસાર કરવાના છે, પણ તે માટે ‘સાત સ્તર’ની સુરક્ષા વ્યવસ્થા શહેરમાં ગોઠવાઈ રહી છે. આ સાત લેયરની સુરક્ષામાં જળ, સ્થળ અને આકાશ એમ ત્રણેય પ્રકારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. ગુજરાત પોલીસના અંદાજે ૨૦,૦૦૦ જવાનો, અધિકારીઓ આ બંદોબસ્તમાં જોડાશે. યુએસ સુરક્ષા અધિકારીઓની સૂચના અનુસાર એસપીજી, એનએસજીના માર્ગદર્શનમાં ભેદી ન શકાય તેવી સુરક્ષા વ્યવસ્થા હશે.
મોટેરા સ્ટેડિયમ ફરતે એક કિ.મી.ના ઘેરાવામાં સાત લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. ગુજરાત પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ, ક્યુઆરટી અને ફાયરબ્રિગેડ સહિતની ટીમો સ્ટેન્ડ બાય રહેશે.
પ્રથમ લેયરમાં યુએસ અધિકારીઓ
ટ્રમ્પની સાત લેયરની સિક્યુરિટીના પ્રથમ લેયરમાં યુએસ સુરક્ષા અધિકારીઓ જ રહેશે. બીજા લેયરમાં ભારત સરકારના એનએસજી, એસપીજીના કમાન્ડો હશે. આ લેયર સાથે પોલીસના ડીઆઈજી કેડરથી ઉપરની કક્ષાના અધિકારીઓ જ સંપર્કમાં રહેશે. ત્રીજા લેયરમાં સ્ટેડિયમની સુરક્ષા રહેશે. આ લેયરમાં ગુજરાત પોલીસના ચુનંદા જવાનો હશે જે સ્ટેડિયમમાં હાજર એક લાખ નાગરિકો વચ્ચે પ્રેક્ષક તરીકે હશે. ચોથા લેયરમાં સ્ટેડિયમની અંદર એન્ટ્રીથી લઈ સ્ટેડિયમના એન્ટ્રી ગેટ સુધી અને પાર્કિંગની સુરક્ષા વ્યવસ્થા હશે. સ્ટેડિયમ ફરતે પાંચમું લેયર ગોઠવાશે. છઠ્ઠા લેયરમાં આસપાસના રહેણાક વિસ્તારો અને ટ્રાફિક વ્યવસ્થાનું સંકલન રહેશે. સાતમા લેયરમાં સ્ટેડિયમ ફરતે એક કિ.મી.ના વિસ્તારમાં ઊંચાઈવાળા વ્યૂહાત્મક સ્થળે પોલીસ જવાનો બાઈનોક્યુલર સાથે વોચ રાખશે. આ ઉપરાંત સ્ટેડિયમ અને આશ્રમ નજીકની સાબરમતી નદીમાં ફાયરબ્રિગેડની સ્પીડબોટમાં કમાન્ડો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે. ટ્રમ્પ શહેરમાં હશે ત્યારે ‘નો ફ્લાય ઝોન’ હશે અને વાયુસેનાની ટૂકડી હાઈએલર્ટ પર રહેશે.
‘ઈન્ટરનેશનલ બંદોબસ્ત’નો અનુભવ
ચીન અને ઈઝરાયેલના વડા અમદાવાદ આવી ચૂક્યા છે તે પછી અમેરિકી પ્રમુખના ‘ઈન્ટરનેશનલ બંદોબસ્ત’નો અનુભવ ગુજરાત પોલીસને મળશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ૭મી ફેબ્રુઆરીએ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ, ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમનો રાઉન્ડ લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સ્ટેડિયમ ખાતે પોલીસતંત્ર દ્વારા કામચલાઉ કંટ્રોલરૂમ પણ ઊભો કરાયો છે અને રાઉન્ડ ધ કલોક ડોગ સ્ક્વોર્ડ તથા બોમ્બ ડિસ્પોઝ સ્કોવોડ્ઝ સહિત બંદોબસ્ત મુકાયો છે. શહેરમાં અને હોટેલોમાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ દ્વારા સઘન ચેકિંગ પણ શરૂ કરાયું છે.
‘ડસ્ટ ફ્રી’ વાતાવરણનું આયોજન
ભારતના પાડોશી દેશ ચીનમાં કોરોના વાયરસનો કહેર છે તેવા વાતાવરણમાં ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ટ્રમ્પને હેલ્ધી અને ‘ડસ્ટ ફ્રી’ વાતાવરણ મળે તેવું આયોજન કરાઈ રહ્યું છે. મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમથી માંડીને ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ટ્રમ્પને ‘ધૂળિયા વાતાવરણ’નો અહેસાસ ન થાય તે માટે ભોંયતળિયાને કવર કરી દેવાશે. ટ્રમ્પ જ્યાંથી પસાર થવાના હશે તે વિસ્તારની જમીનને કાપડથી ઢાંકી દેવાનું પણ વિચારાઈ રહ્યું છે.
નવા નીરનો લેબોરેટરી ટેસ્ટ
ટ્રમ્પને અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી ગાંધી આશ્રમ લઈ જવાશે. સ્ટેડિયમ અથવા તો ગાંધી આશ્રમથી ટ્રમ્પ રિવરફ્રન્ટનો નજારો જુએ તેવું આયોજન શક્યતઃ કરાશે. ટ્રમ્પ નદીના કાંઠે જાય ત્યારે તાજગીનો અહેસાસ થાય તે માટે સાબરમતી નદીમાં બંધિયાર પાણીના બદલે ‘નવા નીર’ આવશે. નદીના પાણીનું એફએસએલ ટેસ્ટિંગ પણ થઈ શકે છે.
કેમ છો ટ્રમ્પ?ની રૂપરેખા
ચર્ચા ચાલે છે કે, વડા પ્રધાન મોદી અને અમેરિકાના પ્રવાસ દરમિયાન હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ થયો હતો. ટ્રમ્પ અને મોદીનો આવો જ કાર્યક્રમ અમદાવાદમાં યોજાઈ રહ્યો હોવાનો અંદાજ છે. અમેરિકામાં થનારી આ વર્ષની ચૂંટણીને અનુલક્ષીને ટ્રમ્પની ટીમ આ પ્રકારના કાર્યક્રમની રૂપરેખા તૈયાર થઈ રહ્યાનું અનુમાન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter