અમદાવાદઃ પીરાણા-પીપળજ રોડ પર રેવા કાકા એસ્ટેટમાં સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કેમિકલ ફેક્ટરીમાં ચોથી નવેમ્બરે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ માત્ર ૩૦ સેકન્ડના સમયગાળામાં એક પછી એક છ પ્રચંડ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં ૧૨ કર્મચારીઓનાં મોત થયાં હતાં જયારે ૯ જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ફેકટરીમાં અચાનક બ્લાસ્ટ થતાં આજુબાજુના ચાર ગોડાઉનની છત ઊંચે હવામાં ઊડી હતી. જોકે આ ઘટનામાં ફેકટરીમાં કામ કરતા ૧૫ જેટલા કર્મચારીઓ ધડાકા થતાંની સાથે દોડીને બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. ઘાયલોને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં જ તુરંત ૨૪ જેટલી ટીમ તથા NDRFનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મોડી રાત સુધી આશરે નવ કલાક સુધી બચાવ કામગીરી ચાલુ હતી. પોલીસે સાહિલ એન્ટરપ્રાઇઝના હેતલ સુતરિયા અને ગોડાઉન માલિક બુટ્ટા ભરવાડ સામે IPC કલમ ૩૦૪, એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે, બે કામદારો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. આ ઘટના અંગેની તપાસમાં લેબ રિપોર્ટની જાંચમાં જણાયુ કે, મોટાભાગે સોડિયમ હાઈડ્રોસલ્ફાટ કે સોલ્વન્ટનો મોટો જથ્થો સંગ્રહ થયેલો ત્યાં કોઈક કારણસર રાસાયણિક રિએક્શન થતાં જ પ્રચંડ વિસ્ફોટ થયો હોઈ શકે છે છતાં એફએસએલ દ્વારા ઘટનાસ્થળેથી નમૂના ભેગા કરાયા છે તેના આધારે વધુ તપાસ કરાશે કે ખરેખર કયા કેમિકલ્સ ત્યાં હતા અને તેના કારણે આ વિસ્ફોટ થયો હતો. પોલીસે જણાવ્યું કે, ફેક્ટરીના માલિકની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
મૃતકોની યાદી
૧. કલુવા ગુન્દુશા ૨. યુનુસભાઇ મલેક ૩. જેકલીન ક્રિશ્ચિયન ૪. રાગિણી ક્રિશ્ચિયન ૫. રામારામ દેવાશી ૬. નઝમુન્નિશા શેખ ૭. મુસ્તુફા સૈયદ ૮. મથુરભાઇ ચાવડા ૯. નીતિનભાઇ પરમાર ૧૦. રંજનબહેન ગોડિયા ૧૧. હિતેશ પરમાર ૧૨. એન્જલિના ચાવડા
ઇજાગ્રસ્તોની યાદી
૧. શાંતિબહેન કહારી ૨. હેતલબહેન પ્રજાપતિ ૩. શમશાદ મનસુરી ૪. રિઝવાના શેખ ૫. અશ્વિન પંચાલ ૬. નરેશ સોલંકી, ૭. રોહન ચૌહાણ ૮. સુબ્રમણ્યમ ક્રિશ્નમૂર્તિ ૯. સુરેન્દ્ર ચૌહાણ