કેસો વધતા નિયંત્રણો જરૂરી હતા, કેસો ઘટ્યા તો પાછું રાબેતા મુજબઃ મુખ્ય પ્રધાન રૂપાણી

Thursday 25th March 2021 05:18 EDT
 
 

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રવિવારે સાંજે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી રાજ્યવ્યાપી સંબોધન કરતાં ભારપૂર્વક કહ્યું હતું કે હવે રાજ્ય સરકાર બીજું લોકડાઉન લાદવાની નથી, નથી અને નથી. સરકારે કોઈ ધંધા-રોજગાર પણ બંધ કરાવવાની નથી. આ તો કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે એટલે ફરી વાર કડક પગલાં લીધાં છે. જ્યારે કેસોમાં ઘટાડો થશે ત્યારે પાછું બધું રાબેતા મુજબ ચાલુ થઈ થશે. લોકો કોઈ પણ પ્રકારની અફવાઓ ઉપર વિશ્વાસ ના કરે કે એમણે ગભરાવવાની પણ જરૂર નથી.
અગાઉ કોરોનાની લડાઈમાં જનતાએ પૂરો સહયોગ અને સમર્થન આપ્યું હતું તેમ આ વખતે પણ કેસો વધી રહ્યા છે ત્યારે સરકાર લોકો પાસેથી સહકારની અપેક્ષા રાખી રહી છે તેમ કહીને મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે ટેસ્ટિંગ વધારી દેવાયું છે. હોસ્પિટલોમાં પથારીની તથા દવાઓની સગવડ પણ કરી દેવાઈ છે અને વેક્સિનેશનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. એમણે ઉમેર્યું હતું કે કેટલાક મહાનગરોમાં રાત્ર કરફ્યૂનો સમય વધારવો પડ્યો છે અને હોટેલ-રેસ્ટરાં ઉપર પણ અમૂક નિયંત્રણો લાદવા પડ્યા છે, પરંતુ આ કરવું જરૂરી હતું.
લોકડાઉન નહીં આવે કારણ કે...
રાજ્યમાં કોરોનાના કેસ વધતા અને અન્ય કેટલાક રાજયોમાં અમુક વિસ્તારોમાં લોકડાઉન આવતા ગુજરાતમાં પણ લોકડાઉન આવશે તેવી વાતથી લોકોના મન ઉંચા થઇ ગયા છે. આવી સ્થિતિમાં સચિવાલયના ટોચના સૂત્રોએ એવું કહ્યું હતું કે, લોકડાઉનની કોઇ શકયતા નથી, આજે ૧૫૦૦ કેસ છે, પણ ૧૫ હજાર કેસ થશે તો પણ લોકડાઉન નહીં આવે, કારણ કે, લોકડાઉન કર્યા પછી અનલોક કરવું અઘરું છે.
સચિવાલયના સૂત્રોના કહ્યા પ્રમાણે માની લ્યો કે એક તબક્કે ખૂબ જ કેસ વધી જાય અને લોકડાઉન કરવું હોય તો કરી શકીએ છીએ. લોકડાઉન કરવું સહેલું છે, પણ પછી અનલોક કરવું એ ખૂબ જ અઘરું છે. લોકડાઉન કરતા જ લોકોમાં ભય પ્રસરી જાય છે કે લોકડાઉન લાંબુ ચાલશે અને લોકો અનાજથી લઇને જીવનજરૂરી ચીજવસ્તુ ખરીદવા દોડે છે. સંગ્રાહખોરી વધે છે. ઉપરાંત ખરીદીમાં ભીડ ઉમટતા સંક્રમણ વધી શકે છે. ઉપરાંત ધંધા-ઉદ્યોગ,વેપાર સાથે સંકળાયેલા વ્યાવસાયિકો, કર્મચારી, મજૂરો તેમના વતન તરફ દોટ મુકે છે. આથી સંક્રમણ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પણ ફેલાવવાનો ભય રહે છે. વળી, અનલોક કર્યા પછી વતન પહોંચેલા લોકો પરત આવવા માટે સમય લેતા હોય છે. આવા સંજોગોમાં ફરી ઉદ્યોગ-ધંધા ધમધમતા કરવા મુશ્કેલી વધારે પડે છે. આથી હાલના તબક્કે તો સરકાર એવું વિચારે છે કે, લોકડાઉન ગમે તેટલા કેસ વધે તો પણ કરવું નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter