ગાંધીનગરઃ ગુજરાત કેડરના વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ અધિકારી કે. કૈલાશનાથન ફરી એકવાર રાજ્યના મુખ્ય પ્રધાનના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમાયા છે. તેમનો આ નવો સમયગાળો બે વર્ષનો રહેશે. દેશમાં સેવાનિવૃત્તિ બાદ ગુજરાતમાં સતત ચોથીવાર મુખ્ય પ્રધાનના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી બનવાનો રેકર્ડ કદાચ કે. કૈલાશનાથનના નામે હશે. વડા પ્રધાન મોદીના અતિવિશ્વાસુ બ્યૂરોકેટ તરીકે માન પ્રાપ્ત કરનારા ૧૯૭૯ બેચના કૈલાશનાથન ૨૦૧૩માં રિટાયર્ડ થયા ત્યાં સુધી મુખ્ય પ્રધાન કાર્યાલયમાં પ્રિન્સિપાલ સેક્રેટરી હતા. બાદમાં તત્કાલીન મુખ્ય પ્રધાન મોદીએ તેમના માટે ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરીની વિશિષ્ઠ પોસ્ટ ઊભી કરી એમના સેવા જાળવી રાખી હતી. ત્યાર બાદ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના દોઢ વર્ષના કાર્યકાળમાં તથા ઓગસ્ટ ૨૦૧૬થી તેરમી વિધાનસભાના અંત સુધી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના કાર્યકાળમાં પણ કૈલાશનાથનનું સ્થાન જળવાયુંહતું. હવે નવી સરકારમાં એમનું સ્થાન યથાવત છે. ગુજરાતના વહીવટીતંત્ર ઉપર પક્કડ ધરાવતા કૈલાશનાથન વિપરીત પરિસ્થિતિઓમાં સરકારના ટ્રબલશૂટર રહ્યાં છે.


