ગાંધીનગરઃ વરિષ્ઠ આઇએએસ અધિકારી કે. કૈલાશનાથનની ફરી એક વાર મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્તિ થઈ છે. વડા પ્રધાન મોદીના અંગત વિશ્વાસુ કૈલાશનાથન્ મે ૨૦૧૩માં મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવપદેથી રિટાયર્ડ થયા પછી મોદીએ એમના માટે ચીફ પ્રિન્સિપલ સેક્રેટરીની ખાસ પોસ્ટ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરી હતી. અને નવા મુખ્યમંત્રીઓ આવતા વખતોવખત આ સ્પેશિયલ પોસ્ટ ઉપર તેમની ફરી ફરી નિમણૂક થાય છે.
સેવાનિવૃત્ત થયા બાદ મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરીપદે કૈલાશનાથને મે ૨૦૨૧માં ૮ વર્ષ પૂરા કર્યા છે અને હવે તેમની સેવાનું નવમું વર્ષ છે. રસપ્રદ એ છે કે, ગત ૧૩મી સપ્ટમ્બરે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા, એ જ દિવસથી કૈલાશનાથનની નવી એપોઇન્ટમેન્ટ અમલમાં આવી છે.
આ પોસ્ટિંગ કોન્ટ્રેક્ચુઅલ છે. આ સાથે જ મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવતા હિતેશ પંડ્યાની પણ કરાર આધારિત ફરી નિમણૂક થઈ છે. એવી જ રીતે મુખ્યમંત્રીના કાર્યાલયમાં પણ ફરીથી પરાગ શાહની તથા જે. પી. મોઢાની સંયુક્ત સચિવો જ્યારે પી.એન. શુક્લની નાયબ સચિવપદે કરાર આધારિત નિમણૂકો થઈ છે.