અમદાવાદઃ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ બીજી ઓગસ્ટે સાત શહેર-જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી છે. હવે લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે. તેવા સંજોગોમાં માળખામાં નિમણૂકો આપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાન રાખીને આ માળખાની જાહેરાત થઈ છે, જેમાં આ વખતે સિનિયર અને જુનિયર નેતાઓ વચ્ચે મતભેદ ટાળવા પ્રયાસ કરાયો છે. સાત પૈકી ૪ યુવા ચહેરા છે તો બાકી ૩ જૂના જોગી છે.
ગાંધીનગરના શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ડો. કૌશિક શાહની નિમણૂક કરાઈ છે. જેઓ અગાઉ પણ શહેર પ્રમુખ હતા. જૂનાગઢ શહેરના પ્રમુખ તરીકે વિનુ અમીપરાની પસંદગી થઈ છે. જેઓ ૨૦૧૨માં પોરબંદર લોકસભાની પેટા ચૂંટણીમાં હાર્યા હતાં. નર્મદા જિલ્લામાં યુવા પ્રમુખ હરેન્દ્ર વાળંદનું નામ જાહેર થયું છે. પોરબંદર શહેરમાં પરિમલ ઠક્કર પણ નવો ચહેરો છે. અમરેલીમાં અર્જુન સોસા સ્થાનિક સંગઠનમાં સક્રિય છે. કચ્છ જિલ્લામાં યજુવેન્દ્રસિંહ જાડેજા યુવા ચહેરો છે. આ ઉપરાંત બોટાદ જિલ્લામાં રમેશ સૌમેરની પસંદગી થઈ છે તે પણ યુવા ચહેરો છે અને સ્થાનિક સ્તરે કોંગ્રેસમાં સક્રિય છે. એક મહિના પહેલા કોંગ્રેસે ગુજરાતના ૧૨ શહેર અને જિલ્લા પ્રમુખ જાહેર કર્યાં હતાં. હવે બીજા તબક્કામાં આ સાત નામો બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં ટૂંક સમયમાં જાહેરાત કરાશે.


