કોંગ્રેસ દ્વારા હાર્દિક-જિજ્ઞેશને રિઝવવા કવાયત

Wednesday 01st November 2017 09:38 EDT
 
 

ગાંધીનગરઃ ‘પાસ’ છોડીને ભાજપમાં ભળી ગયેલા વરુણ પટેલ અને રેશમા પટેલે હાર્દિક પટેલ પર કોંગ્રેસના એજન્ટ હોવાના આરોપોનો મારો ચલાવ્યો છે. ત્યાર બાદ ભાજપના ઉચ્ચ પદાધિકારીઓએ પણ હાર્દિક પર કોંગ્રેસ પ્રેરિત આંદોલન ચલાવતા હોવાનો આરોપ લગાવ્યો છે. આ સ્થિતિમાં હાર્દિક પટેલે પણ ટ્વિટ કરીને અને ૨૮મી ઓક્ટોબરે પાલિતાણામાં કોર કમિટીની બેઠક યોજીને કોંગ્રેસને અનામત અંગેના વલણને સ્પષ્ટ કરવા ૩ નવેમ્બરની ડેડલાઈન આપી છે.
આ અંગે માહિતી આપતા દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, ‘પાસ’નું ધ્યેય પાટીદાર સમાજને અનામત અપાવવાનું છે. કોંગ્રેસે ૨૦ ટકા અનામત આવાની વાત તો કરી છે પરંતુ કેવી રીતે અપાવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી. ‘પાસ’ તરફથી લેખિતમાં માગ કરાઈ છે કે કોંગ્રેસ અમારી સાથે ટેબલ પર બેસીને વિગતવાર સમજાવે કે કેવી પાટીદારોને અનામત આપશે.
૨૦ ટકા અનામતનું બિલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, સંસદમાં બિલ લાવીને કાયદામાં ફેરફાર કરીને પાટીદારોને અનામત આપવામાં આવશે. કોંગ્રેસે ૨૦ ટકા અનામતની વાત કરી હોવાથી તે માટે ૨૦૧૭ પછીની વિધાનસભામાં બિલ લાવવામાં આવશે. આ બિલ કેન્દ્ર સરકારને મંજૂર કરવા માટે મોકલાશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ પ્રદેશ પ્રમુખને હાઈકમાન્ડનું તેડું આવ્યું હતું. જેને પગલે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ૨૪મીએ દિલ્હી દોડી ગયા હતા. હાઈકમાન્ડે બોલાવેલી બેઠકમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પર આખરી ઓપ આપવા પ્રયાસ હાથ ધરાયો હતો, આ સાથે જ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યા બાદ બાકીના બે આંદોલનકારી યુવાઓ હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીને કોઈ પણ સંજોગોમાં મનાવી લઈ કોંગ્રેસમાં લઈ આવવાનું ઓપરેશન પાર પાડવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
કોંગ્રેસે હાઈકમાન્ડે બોલાવેલી બેઠકમાં માથાના દુઃખાવા સમાન બનેલી ઉમેદવાર પસંદગી પ્રક્રિયા કેવી રીતે પાર પાડવી તે મુદ્દે મનોમંથન કરવામાં આવ્યું હતું. જેમ બને તેમ જલ્દી યાદી તૈયાર કરવા ભાર અપાઈ રહ્યું છે પછી ભલે મોડેથી યાદી જાહેર કરવામાં આવે. જે ઉમેદવાર ફાઈનલ છે તેમને કામે લાગી જવાની સૂચના આપી દેવા અંગેનું વલણ અપનાવવાનું નક્કી થયું છે. અત્યાર સુધી પ્રાથમિક તબક્કે માંડ ૬૦ જેટલા જ નામો ફાઈનલ થયા છે. અલ્પેશનની કોંગ્રેસમાં એન્ટ્રી બાદ સમીકરણો બદલાયા છે. ઠાકોર સમાજની વધુ વસતિ છે તેવી બેઠક પર ઉમેદવાર પસંદગી નવેસરથી કરવા કવાયત હાથ ધરશે. સૂત્રો કહે છે કે અગાઉ કોંગ્રેસ ત્રીજી ઓક્ટોબરે ૯૦ ઉમેદવારોની યાદી જાહેર કરવાની હતી પરંતુ સમીકરણો બદલાતાં હવે યાદી ફરી એકવાર ઘોંચમાં પડે તેવું મનાઈ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter