કોંગ્રેસ પક્ષ મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર નહીં કરે

Wednesday 10th May 2017 08:13 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના તમામ મુખ્ય હોદ્દેદારો અને આગેવાનો સાથે છઠ્ઠીએ એક બેઠકનું આયોજન કર્યું હતું. ચૂંટણીમાં આંતરિક જૂથવાદથી બચવા રાહુલે તમામ સાથે ચર્ચા કરીને નિર્ણય લીધો હતો કે ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસ મુખ્ય પ્રધાન તરીકે કોઈ ઉમેદવારનું નામ નહીં આપે. કોંગ્રેસના નેજામાં જ સૌ સાથે મળીને ચૂંટણી લડશે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર દરેક ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ આગેવાનો વચ્ચે આંતરિક ખેંચતાણના કારણે કોંગ્રેસ ક્યારે પણ ૬૦ બેઠકથી વધારે જીતી શકતી નથી. ૪૦થી વધુ બેઠકો એવી હોય છે કે જે કોંગ્રેસ ૧૦ હજાર કે તેથી ઓછા મતથી હારતી આવે છે. ચૂંટણીમાં જો પંજાબની જેમ ગુજરાતમાં પણ મુખ્ય પ્રધાન પદનો ઉમેદવાર પહેલેથી જાહેર કરી દેવાય તો કદાચ આંતરિક જૂથવાદ વધારે વકરી જાય તેવી ભીતિ કોંગ્રેસમાં ફેલાઈ છે. તેથી નક્કી કરાયું છે કે, કોઈને પણ મુખ્ય પ્રધાન પદ માટે ઉમેદવાર તરીકે જાહેર નહીં કરાય.
૩૧ સભ્યોએ રાહુલ ગાંધીની મુલાકાત લીધી
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તેમજ શક્તિસિંહ ગોહિલ સહિત કો-ઓર્ડિનેશન કમિટીના ૩૧ સભ્યોએ રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીના નિવાસસ્થાને છઠ્ઠીએ સવારે બેઠક શરૂ થઈ હતી.
શંકરસિંહ નીકળી ગયા
બેઠક બાદ અન્ય આગેવાનો કરતાં શંકરસિંહ વહેલા નીકળી જતાં એવી અટકળો લગાવાઈ હતી કે બાપુ નારાજ થઈને વહેલા નીકળી ગયા. જોકે રાહુલ સાથે તેમણે વન ટુ વન મિટિંગ કરી હોવાથી તે વહેલા નીકળ્યા હતા.
રાહુલ બધાને મળ્યા
રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના તમામ આગેવાનોને વન ટુ વન મળ્યા હતા. અને દરેકને વ્યક્તિગત રીતે ૩થી ૪ મિનિટ ફાળવીને ગુજરાતની ચૂંટણી જીતવા માટેના વ્યક્તિગત સૂચનો અને અભિપ્રાયો સાંભળ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter