અંક્લેશ્વરઃ આદિવાસી અગ્રણી છોટુ વસાવા બીજી નવેમ્બરે રાહુલ ગાંધીને દિલ્હીમાં મળ્યા હતાં. તેમની સાથે જનતા દળ (યુ)ના પ્રદેશ મહામંત્રી અંબાલાલ જાદવ, અનિલ ભગત, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ હતા. આ ગુપ્ત બેઠકમાં વસાવાએ રાહુલ ગાંધી પાસે દક્ષિણ ગુજરાતના ટ્રાઇબલ બેલ્ટની આઠ બેઠકો પર ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ આઠ બેઠકોમાં માંગરોળ, નિઝર, ઝઘડિયા, માંડવી, દેડિયાપાડા, નાંદોદ, અંકલેશ્વર ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની પાવીજેતપુર બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે અન્ય આદિવાસી વિસ્તારની બેઠકો પર કોંગ્રેસ વતી પ્રચાર કરવાની પણ તૈયારી દર્શાવી છે.
જેડી(યુ)માં હાલમાં શરદ યાદવ અને નિતીશ કુમાર વચ્ચે સર્જાયેલા ભંગાણ બાદ બંને પક્ષો પક્ષના નામ અને ચૂંટણી ચિહ્ન માટે ન્યાયિક જંગ લડી રહ્યાં છે. એવા સમયે છોટુ વસાવા બંનેનીથી અલગ રહીને ભારતીય ટ્રાયબલ પાર્ટીના નામે ૮ બેઠકો પર લડી લેવાની પણ તૈયારી બતાવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.


