કોંગ્રેસ ભાજપ પર નજર રાખવા માટે શેડો મિનિસ્ટ્રી બનાવશે

Wednesday 25th July 2018 07:58 EDT
 

અમદાવાદઃ ભાજપ સરકારની જેમ કોંગ્રેસનુંય અલાયદુ પ્રધાનમંડળ હશે. યુકે, ઓસ્ટ્રેલિયાની જેમ ગુજરાતમાં પ્રથમવાર શેડો મિનિસ્ટ્રી રચવામાં આવનાર છે.ગુજરાત કોંગ્રેસ ધારાસભ્યોને વિવિધ વિભાગોની પર નજર રાખવાની કામગીરી સોંપશે. ભાજપ સરકારની નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચાડવા કોંગ્રેસે આ અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. હાઇકમાન્ડે શેડો મિનિસ્ટ્રી રચવા લીલીઝંડી આપી દીધી છે. થોડાક વખત અગાઉ યોજાયેલી તાલીમ શિબીરમાં કોંગ્રેસી ધારાસભ્યોને શેડો મિનિસ્ટ્રીમાં ભાગ લેવા અંગે જાણ કરાઇ હતી.એટલુ જ નહી, રસ ધરાવતા ધારાસભ્યોની યાદી પણ બનાવાઇ હતી. જોકે, આખીય વાત અભિરાઇએ ચડાવી દેવાઇ હતી.
હવે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વેબસાઇટના માધ્યમથી લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડી ઉકેલવા પ્રયાસ કર્યો છે જેને લોકસરકાર નામ આપવામાં આવ્યુ છે. ટૂંક જ સમયમાં લોકસરકારનુ ય સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવશે. લોકસરકારને આખરી ઓપ અપાયા બાદ હવે શેડો મિનિસ્ટ્રી બનાવવા પણ વિચાર કરાયો છે. દિલ્હીમાં હાઇકમાન્ડે આ મુદ્દે લીલીઝંડી આપી દીધી છે. શેડો મિનિસ્ટ્રીમાં દસેક ધારાસભ્યોનો સમાવેશ કરવા નકકી કરાયુ છે. આ ધારાસભ્યોને કોઇ એક ચોક્કસ વિભાગ પર નજર રાખવાની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter