અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ ચૂંટણી મુદ્દે કોંગ્રેસ મોવડી મંડળના વરિષ્ઠ નેતાઓએ હોમવર્ક વિના માત્ર ગોઠવણો પાડીને બેઠકોની ફાળવણી કરીને ભાંગરો વાટતાં છઠ્ઠીએ આખો દિવસ માહોલમાં અંધાધૂંધી દેખાઈ હતી. આમ તો પાંચમીની રાતથી કોંગ્રેસના ધારાસભ્યોનાં રિસામણાં - મનામણાં ચાલ્યા પછી ભોપાળું થયું. કોંગ્રેસ મોવડી મંડળે પ્રથમ તબક્કામાં ૩૮ ઉમેદવારો જાહેર કર્યાં પછી બીજા દિવસે છટ્ઠીએ બીજા તબક્કાની યાદી જાહેર કરવાને બદલે ચૂપચાપ ૧૫૪ ઉમેદવારોને મેન્ડેટ આપી દીધાં હતાં. ૨૮ કોર્પોરેટરને ફરી મેદાને ઉતાર્યા જ્યારે ૨૧ કોર્પોરેટરની ટિકિટ કપાઈ ગઈ.
અમદાવાદ મહાપાલિકાની વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે ૪૯ બેઠકો આવી હતી. એક અપક્ષ ઉમેદવાર જીત્યા હતા જે પાછળથી કોંગ્રેસની ટિકિટ ઉપર ધારાસભ્ય બન્યા હતા અને કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા.
ઈમરાન ખેડાવાલાનાં ૨ ટેકેદારો બાકાત
મહાપાલિકાની ચૂંટણી મુદ્દે ખાડિયા-જમાલપુરના કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બે સમર્થકોને બહેરામપુરા વોર્ડમાંથી અપાયેલી ટિકિટો રદ કરીને ધારાસભ્ય શૈલેષ પરમારના બે ટેકેદારોને પાછળથી મેન્ડેટ અપાતાં રોષે ભરાયેલા ખેડાવાલાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપવાની ધમકી આપી હતી. જોકે તેમને મનાવી લેવાયા હતા. બહેરામપુરા વોર્ડ માટે કોંગ્રેસે કમરુદ્દીન પઠાણ, નઝમા રંગરેજ શેખ, કમળાબહેન ચાવડા અને તસ્લીમ આલમ તિરમિઝી એમ ચાર ઉમેદવારો જાહેર કર્યાં હતાં. આ ચારેય પાર્ટીના મેન્ડેટ સાથે ફોર્મ ભરી આવ્યા બાદ શૈલેષ પરમારના ટેકેદારો રફીક શેઠ અને શાહજહાંબહેન અન્સારી તરફથી પાર્ટીના મેન્ડેટ સાથે ફોર્મ ભરાયા હતા અને આની સામે કમરુદ્દીન પઠાણ અને નઝમા શેખના મેન્ડેટ કપાયા હતા. જેથી ખેડાવાલા પાર્ટી કાર્યાલયે પહોંચ્યા હતા. ત્યાં કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેડાવાલાને અન્યાય દૂર કરવાની ખાતરી આપી હતી. એ પછી ઇમરાને જાહેર કર્યું કે, હું પાર્ટી સાથે જ છું અને મને ન્યાય મળવા બાબતે પાર્ટી પર સંપૂર્ણ વિશ્વાસ છે.

