કોંગ્રેસ-‘પાસ’ની બેઠકમાં અનામત સિવાયના ૪ મુદ્દે સંમતિ

Wednesday 01st November 2017 09:37 EDT
 
 

અમદાવાદ: કોંગ્રેસ અને પાટીદાર આંદોલનના નેતાઓ વચ્ચે સોમવારે યોજાયેલી બેઠક પાટીદારોને અનામત આપવાનો મુદ્દો યથાવત્ રહ્યો છે. જ્યારે બાકીના ચાર મુદ્દાનો સકારાત્મક રીતે ઉકેલ લાવવામાં સફળતા મળી હોવાનો દાવો પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાએ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસના ટોચના ત્રણ આગેવાનો અને ‘પાસ’ના અગ્રણીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં ૨૫ ઓગસ્ટ અને ત્યારબાદ પાટીદારો પરના અત્યાચારોની તપાસ માટે સ્પે. ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવી જવાબદારો સામે કાયદાકીય રીતે પગલાં ભરવા, પાટીદારો પર લગાવવામાં આવેલાં રાજદ્રોહ અને દેશદ્રોહ સહિતના નાના-મોટા તમામ કેસો પાછા ખેંચવા, શહીદ પાટીદાર અને અન્ય સમાજના પરિવારોને રૂ. ૩૫ લાખની સરકારી સહાય અને શહીદના પરિવારજનોમાંથી એક વ્યક્તિને શૈક્ષણિક લાયકાત મુજબ સરકારી નોકરી આપવા અને બિન અનામત કેટેગરીના પરિવારોના સંતાનોને શૈક્ષણિક, સ્વરોજગાર અને સ્કીલ ડેવલપમેન્ટ માટે સવર્ણ આયોગ બનાવીને રૂ. ૨ હજાર કરોડ ફાળવવાના મુદ્દે સર્વસંમતિ સાધવામાં આવી છે. અલબત્ત, પાટીદારોની મૂળ અનામતની માગણી અંગે કોંગ્રેસે બંધારણની મર્યાદામાં રહીને પાટીદારોને કઈ રીતે અનામત આપી શકાય તે અંગે બંધારણીય તજજ્ઞો સાથે ચર્ચા કરીને આગામી અઠવાડિયામાં કોંગ્રેસ-પાસના અગ્રણીઓ વચ્ચે ફરીથી બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે દિલ્હીમાં દલિત નેતા અલ્પેશ ઠાકોરે સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી ચર્ચા વિચારણા કરી હતી. એકાદ સપ્તાહ પહેલાં કોંગ્રેસમાં પ્રવેશ મેળવનારા અલ્પેશને મળવા રાણિપમાં દાવેદારો-કાર્યકરોની ભીડ જામી હતી. માત્ર ત્રણેક દિવસમાં અલ્પેશ ઠાકોરને ૩૦૦ બાયોડેટા મળ્યાં છે. દાવેદારોને એવું છે કે, અલ્પેશ ઠાકોર દાવેદારોને ટિકિટ અપાવવા સક્ષમ છે.
સૂત્રો કહે છેકે, કોંગ્રેસ હાઇકમાન્ડ હવે અલ્પેશ ઠાકોરને ઓબીસી ચહેરા તરીકે પ્રમોટ કરશે. આમેય કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા બાદ કોઇક મોટા વગદાર કોંગ્રેસી નેતાની ખોટ પૂરાય તેમ કોંગ્રેસી નેતાઓ જ ઇચ્છી રહ્યા છે.
એવી ચર્ચા છે કે, ઠાકોર સેના-ઓબીસી એકતા મંચના જિલ્લા-તાલુકાના કાર્યકરોને પણ કોંગ્રેસના સંગઠનમાં સમાવાશે. અત્યારે પ્રદેશ કોંગ્રેસના માળખામાં સ્થાન મેળવવા માટે પણ કાર્યકરો અલ્પેશ ઠાકોરનો સંપર્ક કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter