અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ છે. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે નેતૃત્વની ખામી અને સંગઠનની નિષ્ક્રિયતાના મામલે બીજીએ સવારે સવા દસ વાગ્યે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું. એ પછી ‘પાટીદાર સમાજ’ (પાસ)ના પૂર્વ કન્વીનર નરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો કે, આશાએ રૂ. ૨૦ કરોડ લઈને ભાજપ સાથે સોદો કર્યો છે. રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે પાટીદાર મતો અંકે કરવા ભાજપે આશા પટેલને પક્ષાંતર કરાવ્યું છે.
અધ્યક્ષને રાજીનામું ધર્યું
આશા પટેલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસસ્થાને રાજીનામાનો પત્ર આપ્યા પછી અધ્યક્ષે કાયદાકીય રીતે રાજીનામું સ્વીકાર્યું હતું અને સચિવને રાજીનામા પત્ર આપ્યો હતો. રાજીનામા બાદ આશા પટેલે કોંગ્રેસ પર પ્રહારો કર્યાં કે, કોંગ્રેસમાં સંગઠનના ઠેકાણા નથી. ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે તાલમેલ નથી. પ્રદેશના નેતાઓ સાથ આપતાં નથી. ધારાસભ્યોને પક્ષના કાર્યક્રમમાં સ્ટેજ પર સ્થાન અપાતું નથી. ધારાસભ્યોને ખુરશીઓ શોધવી પડે છે. મેં કેટલીય વાર દિલ્હી હાઈકમાન્ડ, પ્રદેશ પ્રભારીને જ નહીં, પ્રદેશ કક્ષાએ સૂચનો કર્યાં પણ કોઈ સાંભળતું નથી. કોંગ્રેસમાં આજેય ઘણાં ધારાસભ્યો ગૂંગળાય છે. રાહુલ ગાંધીના નેતૃત્વ સામે સવાલો ઊઠાવતાં તેમણે કહ્યું કે કોંગ્રેસમાં નેતૃત્વની ખામી છે. પક્ષમાં શિસ્તનો અભાવ છે. ત્યારે તેમણે કૂળદેવીના સોગંદ ખાઈને કહ્યું કે, ભાજપમાં જોડાવાનો નિર્ણય નથી. ભાજપ સાથે મારે કોઈ ડીલ નથી થઈ. જોકે આશા અંતે ભાજપમાં ભરતી થયાં.
‘રૂ. ૨૦ કરોડ લઈને સોદો’
આશા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી ‘પાસ’ના પૂર્વ કન્વીનર નરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો છે કે, આશા પટેલે રૂ. ૨૦ કરોડ લઈને ભાજપ સાથે સોદો કર્યો છે. હવે પાટીદારો તેમના પર વિશ્વાસ નહીં કરે.
ભાજપી નેતા રેશ્મા પટેલે વળી કહ્યું કે, તમે તાનાશાહોની ભાજપમાં જોડાવવા ઈચ્છતા હો તો રોકાઈ જજો, લોકોના કામ કરવા માટે ભાજપ પાર્ટી નથી. માત્ર જી હજૂરી કરવી હોય તો ભાજપમાં જજો. વિક્ષપમાં રહીને જ પ્રજાના કામો થઈ શકે. પાટીદાર નેતા અતુલ પટેલે પણ આશાના આ નિર્ણયને પાટીદાર સાથેનો દ્રોહ ગણાવ્યો છે. રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે, પાટીદાર આંદોલન બાદ ભાજપને ઘણું રાજકીય નુકસાન વેઠવું પડ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં ઘણી બેઠકો પર નુકસાન થયું હતું. હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપને એક બેઠક ય ગુમાવવી પોષાય તેમ નથી. આ જોતાં ભાજપે ૧૦ ટકા ઈબીસી અનામતનો ચલાવી પાટીદાર મતો અંકે કરવા ગણતરી કરી છે. મહેસાણા બેઠકને વધુ મજબૂત કરવા કોંગ્રેસના ખજાનચી જીવાભાઈ પટેલને કેસરિયો ખેસ ધારણ કરાવાયો હતો. હવે આશા પટેલનો વારો છે. પહેલાં અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેવા ગણતરી હતી, પણ ઠાકોર-ઓબીસી મતો ઉત્તર ગુજરાતમાં ભાજપને મળે નહીં તેવું ચોક્કસ છે.
હજુ ૪ કોંગ્રેસી નિશાને
ભાજપે લોકસભાની ચૂંટણી સાથે પેટાચૂંટણી યોજાય એટલા માટે અને લોકસભામાં વોટિંગ પેટર્નનું ધ્રુવીકરણ થાય તેટલા માટે આ વ્યૂહ અપનાવ્યો હોવાનું રાજકીય નિષ્ણાતોનું કહેવું છે. આગામી સમયમાં ઓછામાં ઓછા ચાર ધારાસભ્યો કોંગ્રેસ છોડે તેવી શક્યતા છે.
હવે પછી પાટણ, બનાસકાંઠા, અમરેલી, જૂનાગઢ એમ ચાર જિલ્લાની બેઠકો પર મતોનું ધ્રુવીકરણ કરવા માટે ભાજપ ધારાસભ્યો તોડવા કમર કસી રહ્યું છે.


