અમદાવાદ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. ગિરિજા વ્યાસનું અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ગુરુવારે નિધન થયું છે. એક મહિના પહેલા ગણગૌર પૂજા દરમિયાન તેમના સ્કાર્ફમાં આગ લાગતાં તેઓ દાઝી ગયા હતા. આશરે 90 ટકા જેટલા દાઝી જવાના કારણે તેમની હાલત સતત બગડતી ગઈ હતી. ગંભીર સ્થિતિને કારણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના સભ્યો અંતિમવિધિ માટે તેમના મૃતદેહને અમદાવાદથી ઉદયપુર લઈ ગયા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક નેતાઓએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. 31 માર્ચે ઉદયપુરમાં તેના ઘરે ગણગૌર પૂજા દરમિયાન તેના સ્કાર્ફમાં આગ લાગી હતી. એક કર્મચારીએ તેમને સ્થળ પર જ બચાવી લીધા અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. ગિરિજા વ્યાસે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ હતા. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.