ગાંધીનગરઃ સ્વાતંત્ર્ય સેનાની, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના સ્થાપક, પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન કાસમ બાપુ તિરમિઝીનું ૮૫ વર્ષની વયે ૧૬મીએ અવસાન થયું હતું. ગાંધીનગર તાલુકાના લીંબડિયા ગામમાં તેઓનાં નિવાસસ્થાન (બાપુ ફાર્મ)માં સવારે સાત વાગ્યે કાસમ બાપુનું અવસાન થયું હતું. પહેલી જાન્યુઆરી ૧૯૩૧માં જન્મેલા અને બાપુ તરીકે જાણીતા કાસમભાઈ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના સ્થાપક હતા અને ૧૯૭૨થી તેઓ રાજકારણમાં સક્રિય હતા. તેઓના નેતૃત્વમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત થયું હતું. સ્વ. કાસમ બાપુ ૧૯૮૦થી ૧૯૯૦ સુધી વિધાનસભામાં ચૂંટાયા હતા અને તેમણે ગુજરાત સરકારમાં કૃષિ, પંચાયત, સમાજ કલ્યાણ, ડેરી મત્સ્ય ઉદ્યોગ ખાતાના પ્રધાન તરીકે સેવાઓ આપી હતી.


