અમદાવાદઃ કોંગ્રેસે આખરે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસની આગલી રાત્રે ૨૬મી નવેમ્બરે બીજા તબક્કાની ૯૩ બેઠકો પૈકી ૭૬ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. જ્યારે બાકી રહેતી ૧૭ બેઠકો પર મોડી રાત સુધી કશ્મકશભરી સ્થિતિ રહેતાં કોંગ્રેસે આ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યાં નહોતા.
કોંગ્રેસે ત્રીજી યાદીમાં ચાર ધારાસભ્યોના પત્તાં કાપ્યાં હતા. જેમાં ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, કાંકરેજના ધારાસભ્ય ધારશી ખાનપુરા, લુણાવાડામાં હીરાભાઈ પટેલ અને મહુધામાં નટવરસિંહ ઠાકોર કટ થયા હતા. નટવરસિંહના સ્થાને તેમના પુત્ર ઈન્દ્રજીત સિંહને ટિકિટ મળી હતી. જ્યારે વડગામ અને ઝાલોદ બેઠકના ધારાસભ્યોને હજુ રિપિટ કરાયા નહોતા. વળી, વધુ ૧૪ બેઠકો પર નામ જાહેર કરતાં ભડકો થયો હતો. ભારે ખેંચતાણવાળી ૧૪ બેઠકો પર ભડકાના ડરે છેલ્લા દિવસે ૨૭મી નવેમ્બરે બપોરે નામ જાહેર કર્યા હતા, જ્યારે મોરવાહડફ (એસટી) અને વાઘોડિયાની બેઠક છોટુ વસાવાના ભારતીય ટ્રાયબલ પાર્ટીને ગઠબંધનના ભાગરૂપે ફાળવી છે. જ્યારે વડગામના ધારાસભ્ય મણિલાલ વાઘેલાની બેઠક દલિત નેતા જીજ્ઞેશ મેવાણીને ફાળવી છે. જીજ્ઞેશ અપક્ષ તરીકે ચૂંટણી લડશે. સીટિંગ ધારાસભ્ય મણિલાલની બેઠક બદલીને તેમને ઈડરથી લડાવાશે. કોંગ્રેસે છેલ્લી ઘડીએ જાહેર કરેલી યાદીમાં ભડકો થયો છે અને ઠેકઠેકાણે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે રાધનપુર બેઠક અલ્પેશ ઠાકોરને ફાળવી છે. રાધનપુર બેઠક અલ્પેશને નહીં આપવા ખાસ્સો વિરોધ થયો હતો. ઉત્તર ગુજરાતમાં અલ્પેશ સહિત તેની ટીમના કુલ ૭ સાથીઓને કોંગ્રેસે ટિકિટ ફાળવી છે. માંજલપુરના ઉમદેવાર પૂર્વશની જગ્યાએ છેલ્લી ઘડીએ ચિરાગ ઝવેરીને ટિકિટ ફાળવાઈ છે.
છેલ્લી યાદીમાં કુલ ૭ ઓબીસી, બે દલિત, એક પાટીદાર, એક મુસ્લિમ, એક હિન્દીભાષી, એક જૈન, એક ક્ષત્રિય અને એક આદિવાસીને ટિકિટ ફાળવી છે. વીરમગામ બેઠક પર પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના ખાસ લાખા ભરવાને ટિકિટ અપાઈ છે.


