અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટ ૧૫મીએ હેકર દ્વારા હેક થયાની ફરિયાદ વચ્ચે આ વેબસાઈટ પર હાર્દિક પટેલનો કથિત જૂનો સેક્સ વીડિયો મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહિ પરંતુ તેની પર લખવામાં આવ્યું હતું કે, અમારા નવા નેતાનું સ્વાગત છે. વેબસાઈટ હેક થતાં કોંગ્રેસની આઈટી ટીમે દોડધામ મચાવી હતી. વર્ષ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હતો ત્યારે હાર્દિકની અશ્લિલ સીડી સોશિયલ મીડિયા પર ફરતી થઈ હતી.
કોંગ્રેસની વેબસાઈટ પર હાર્દિકનો અશ્લિલ વીડિયો મુકાયા પછી વીડિયોમાંથી સ્ક્રિન શોટ કાપીને ભાજપના આગેવાનોએ તે સોશિયલ મીડિયા પર મૂકીને જાત જાતની મજાકો કરી હતી. કોઈકે પૂછયું કે, કોંગ્રેસ આવા લોકોને પ્રમોટ કરીને વોટ માગશે. કોઈકે લખ્યું, આ કોણ છે? આ ઘટના પછી તાબડતોબ વેબપેજ બંધ કરી દેવાયું હતું. આ બાબતને લઈ કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી. ગુજરાત કોંગ્રેસે જણાવ્યું કે, જે લોકોને સત્તાથી દૂર જતાં રહેવાનો ડર લાગી રહ્યો છે તેવા તત્ત્વો આ કામ કરી રહ્યા છે. જે લોકોના મનસૂબા પાર નથી પડયા તેવા લોકોનું કાવતરું છે. ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલાં પણ કોંગ્રેસની વેબસાઈટ હેક કરાઈ હતી, જેમાં કોંગ્રેસે દેશને ૭૦ વર્ષમાં લૂંટયું હોવાનું લખાણ હતું.

