અમદાવાદઃ વર્ષ ૧૯૬૧ બાદ ગુજરાતમાં યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યુસી)ની બેઠક બાદ યોજાયેલી જનસંકલ્પ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી શાસિત સરકારને ગરીબવિરોધી ગણાવીને ટીકાની ઝડી વરસાવી હતી.
આ પૂર્વે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાટીદાર નેતા હાર્દિક પટેલને કોંગ્રેસનો ખેસ પહેરાવીને પક્ષમાં સ્વાગત કર્યું હતું. આમ હવે સત્તાવાર રીતે હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી થઈ ગઈ છે.
આ રેલીમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી-વાડ્રા ઉપરાંત લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદ સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતાં.
રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે ગુજરાતમાં બેઠક એટલા માટે યોજી કારણ કે દેશમાં બે વિચારધારા છે. આ બંને વિચારધારા ગુજરાતમાં તમને જોવા મળશે. એક તરફ મહાત્મા ગાંધીએ દેશને બનાવવામાં પોતાનું જીવન ખર્ચી નાખ્યું. આ દેશને ગુજરાત અને મહાત્મા ગાંધીએ બનાવ્યો છે. આજે બીજી શક્તિઓ દેશને નબળો કરવામાં લાગી છે.’
દેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી હોવાનું ગણાવીને કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે મોદીજી મેક ઈન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયાની વાત કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજનો યુવાન રોજગારી માટે ભટકી રહ્યો છે.
દેશની સ્થિતિ જોઇને દુઃખ થાય છેઃ પ્રિયંકા
મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રેલીને સંબોધતા કહ્યું કે દેશમાં આજ જે કંઈ પણ થઈ રહ્યું છે તેનાથી દુખ થાય છે. જનતા જાગૃત બને તેનાથી મોટી કોઈ દેશભક્તિ નથી. જે લોકોએ બે કરોડ રોજગારનું વચન આપ્યું હતું તે ક્યાં છે? આ ચૂંટણીમાં સાચા સવાલો કરો. મહિલા- સુરક્ષાઓની વાતો કરતા હતા તેમણે શું કર્યું? તમારે સમજવું પડશે કે ચૂંટણીમાં કોને ચૂંટવાના છો. ચૂંટણીમાં મહત્ત્વના મુદ્દાઓ ઊઠાવો. આ ચૂંટણી આઝાદીથી કમ નથી.’


