અમદાવાદઃ પોતાના શાસનના ત્રીજા વર્ષના આરંભે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, ‘લોકસંવાદ સેતુને કોંગ્રેસ તાયફા કહે છે! જ્યાં સેંકડો નાગરિકોના પ્રશ્નોને ઉકેલવા આખી સરકાર, સ્થાનિક વહિવટીતંત્ર હાજર હોય અને પરિણામ મળતું હોય તે લોકસંવાદ સેતુને તાયફા કહેવાના? લોકસંવાદને તમે તાયફા કહો તો કહેતા રહો. અત્યાર સુધી લોકસંવાદના બે રાઉન્ડ થતા અને હવે તો વર્ષમાં ત્રણ વખત લોકસંવાદ સેતુ કાર્યક્રમ કરીશ. તમે ન કરી શકો એટલે અમારે કંઈ નહીં કરવાનું?’
મહાત્મા મંદિરમાં ૧૦૦ ટકા શૌચાલય યુક્ત ગામોના ૬૦૦૦ સરપંચોના સન્માન અને સ્માર્ટ વિલેજ યોજનાના લોન્ચિંગ કાર્યક્રમમાં તેમણે કોંગ્રેસની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, ‘સ્માર્ટ વિલેજના લાભ લેવા માટે અમે કોઈ ભાજપ-કોંગ્રેસ એવું રાખ્યું નથી. નિષ્ણાતોની જ કમિટી નક્કી કરશે કે કઈ પંચાયતને તેનો લાભ આપવો. એ પંચાયતે જાતે જ તૈયાર થવાનું છે. પોતાને ત્યાં સ્વચ્છતા, સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો, વેરા વસૂલાત, દબાણ મુક્ત રસ્તા, ગ્રીન કવર, હિંસા મુક્ત, કુપોષણ મુક્ત અને ગુના મુક્ત ગામ જેવા અનેક પેરામિટરને આધારે જ સ્માર્ટ વિલેજ હેઠળ ગામના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર આપવાની છે એટલે ભાજપની વિચારધારાવાળા સરપંચને મળશે અને બીજાને નહીં એવી વાત જ નથી.’


