અમદાવાદઃ પાટણ બેઠક માટે કોંગ્રેસી જગદીશ ઠાકોરનું નામ ફાઈનલ થતાં જ કોંગ્રેસમાં કકળાટ થયો હતો. પાટણ કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર સામે કોંગ્રેસના ત્રણ પૂર્વ ધારાસભ્યો ધારસિંહ ઠાકોર, ચમનજી ઠાકોર અને જોધાજી ઠાકોરે ૨૮મી માર્ચે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્રણ પૂર્વ ધારાસભ્યોનાં રાજીનામાં પડતાં એક હજારથી વધુ કાર્યકરોએ પણ રાજીનામાં ધરી દીધાં હતાં.
કોંગ્રેસના આ જૂના જોગીઓની માગણી હતી કે, પાટણ લોકસભા બેઠક પર જગદીશ ઠાકોર નહીં, પરંતુ પાટણની સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ. પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપીને લોકસભામાં અપક્ષ તરીકે ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ લીધું છે. આ અગાઉ જગદીશ ઠાકોર સામે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ બાંયો ચઢાવી હતી.

