ગાંધીનગરઃ વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ રવિવારે ટ્વિટર પર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પક્ષનાં અગ્રણી નેતાઓને અનફોલો કરતાં રાજકીય અટકળો તેજ બની હતી. જોકે વાઘેલાએ સોમવારે ખુલાસો કરતાં કહ્યું કે, હું કોંગ્રેસમાં જ છું અને પાર્ટી કહેશે તો ચૂંટણી પણ લડીશ. મારે ચૂંટણી લડવી કે નહીં તે મારું હાઇકમાન્ડ નક્કી કરશે. દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પક્ષની વિચારધારાને સ્વીકારનારા શંકરસિંહ સહિત તમામ નેતાઓ-કાર્યકરો ભાજપમાં આવકાર્ય છે તેવું ખુલ્લું આમંત્રણ આપ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસની ‘સાયબર’ બેઠક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રવિવારે સોશિયલ મીડિયાની ટીમને વધુ સક્રિય રીતે કામગરી બજાવવા માટે સાયબર મીટનું આયોજન કર્યું હતું બરોબર એ જ વખતે શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર પર કોંગ્રેસ હાઈકમાન્ડ સહિત ગુજરાતના ૩૦ જેટલા કોંગી નેતાઓને અનફોલો કર્યા હતા. આ સાથે તેમણે ફેસબુક એકાઉન્ટ પરથી પણ કેટલીક જૂની રાજકીય પોસ્ટ હટાવી લીધી હતી. વાઘેલા પ્રદેશ કોંગ્રેસની સાયબર મીટમાં પણ ગેરહાજર હતા.
સોશિયલ મીડિયા એક્સપર્ટ્સનો દાવો છે કે, વાઘેલા ટ્વિટર એકાઉન્ટ પર ૩૦ જેટલા નેતાને ફોલો કરતા હતા, પણ આ નેતાઓ વાઘેલાને ફોલો કરતા નહોતા. ત્યાં સુધી કે વાઘેલાની પોસ્ટ કે ટ્વિટને પણ પ્રતિસાદ આપતાં નહોતા. વાઘેલાએ અત્યાર સુધીમાં ૪૫૦૦ જેટલી ટ્વિટ કરી હતી, પરંતુ તેના જવાબરૂપે કોઈ રિટ્વિટ પણ કરતા નહોતા. આ કારણે જ વાઘેલાએ રાહુલ સહિતના નેતાઓને અનફોલો કર્યા હોઈ શકે છે. પ્રદેશ કોંગ્રેસની સાયબર મીટમાં પણ વાઘેલા આઈટીની ટીમને માર્ગદર્શન આપવા જવાના હતા, પણ તેઓ કપડવંજ અને બાયડના પ્રવાસે ઉપડ્યા હતા.
પ્રજાના પ્રશ્ને લડવું જરૂરી
અરવલ્લીના બાયડમાં વાઘેલાએ એક ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, રાજકારણઓ સમાજના સાચા ડોક્ટર છે. હું ચૂંટણીઓ તો બહુ લડ્યો છું. લોકસભા કે વિધાનસભામાં લડવું મહત્ત્વનું
નથી. નેતાએ પ્રજાના પ્રશ્નો માટે લડવું જરૂરી છે. વિપક્ષી નેતાના આ વિધાન બાદ રાજકીય માહોલ ગરમાયો હતો.


