ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક યુદ્ધ ચાલે છે ત્યાં ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે અત્યાર સુધીમાં પ્રાથમિક તબક્કે ૧૧૨ દાવેદારો નોંધી ચૂક્યા છે. મોટા ભાગના દાવેદારોએ પોતાને ટિકિટ મળે તે માટે પ્રદેશ નેતાગીરીથી માંડીને હાઈકમાન્ડ સુધી લોબિંગ શરૂ કરી દીધું છે. આમાં છેલ્લે લોકસભા ચૂંટણી હારેલા પૂર્વ સાંસદો તેમજ વિધાનસભાની ચૂંટણી હારી ચૂકેલા આગેવાનો પણ સામેલ છે.
રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે ગુજરાત કોંગ્રેસમાં હવે લોકસભા બેઠક માટે ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે. મશન શક્તિ પ્રોજેક્ટના મારફત પણ અડધો ડઝનથી વધુ બેઠકો પર કઈ બેઠક પર કયો ઉમેદવાર હોવો જોઈએ તે માટે સૂચનો માગવામાં આવી રહ્યા છે.
સૌથી વધુ ઉમદેવારોનો રાફડો ઉત્તર ગુજરાતમાં ૩૬ છે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩૦ છે. અમદાવાદ અને ગાંધીનગર બેઠકો અલગથી ગણીએ તો અહીંની ત્રણ બેઠકો માટે ૧૧ દાવેદારોએ ચૂંટણી લડવા માટે રસ દાખવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ૧૪, મધ્ય ગુજરાતમાં ૨૧ દાવેદારો છે. મહત્ત્વનું છે કે, પ્રદેશ નેતાગીરી જાન્યુઆરી મહિનાના અંતમાં ઉંમેદવારોના નામોની પેનલ બનાવીને હાઈકમાન્ડ સમક્ષ મોકલી દેવાની છે.

