અમદાવાદઃ લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે તેમ તેમ ‘રાજકીય સ્થળાંતર’નો સિલસિલો વેગ પકડી રહ્યો છે. આમાં શાસક ભાજપ સૌથી વધુ લાભમાં છે તો વિપક્ષ કોંગ્રેસ સૌથી વધુ નુકસાનમાં. ત્રણ દિવસમાં ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામું આપીને કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ઉલ્લેખનીય તો એ છે કે એક તરફ રાજ્યમાં કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઇ હતી તો બીજી તરફ ધારાસભ્યોના રાજીનામા પડી રહ્યા હતા.
શુક્રવારે આઠમી માર્ચે પહેલાં તો માણાવદરના કોંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને મળીને રાજીનામાનો પત્ર સુપરત કર્યો હતો.
આ સમાચારની શાહી પણ હજુ સુકાઇ નહોતી ત્યાં ધ્રાંગધ્રાના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયાએ પક્ષ છોડ્યાના સમાચાર આવ્યા હતા.
પ્રધાનમંડળનું વિસ્તરણ
આ પછી કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોરના ભાજપ-પ્રવેશનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું. જોકે શનિવારે અલ્પેશ ઠાકોરે જાહેર કર્યું કે તે કોંગ્રેસમાં જ રહેવાના છે. તેના ગણતરીના કલાકોમાં રાજભવનમાં શપથવિધિ સમારંભ યોજાયો હતો અને ત્રણ પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા હતા.
જેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાએ કેબિનેટ કક્ષાના જ્યારે વડોદરાની માંજલપુર બેઠકના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ અને જામનગર-ઉત્તર બેઠકના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.
બાદમાં ચાવડાને પ્રવાસન તથા મત્સ્યોદ્યોગ વિભાગ સોંપાયો હતો. રાજ્યપ્રધાન યોગેશ પટેલને નર્મદા તથા શહેરી ગૃહનિર્માણ વિભાગો જ્યારે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાને અન્ન-નાગરિક પુરવઠો, ગ્રાહકલક્ષી બાબતો તથા કુટિર ઉદ્યોગ વિભાગો સોંપાયા છે.
ફરી કોંગ્રેસને આંચકા
રવિવાર દિવસ રજાનો હતો, પણ રાજકીય ચહલપહલ ચાલુ હતી. આનું પરિણામ સોમવારે સવારે જોવા મળ્યું. જામનગર ગ્રામીણ બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું ધરી દીધું હતું.
સોમવારે બપોરે ધારવિયા અને ધ્રાંગધ્રા બેઠક પરથી રાજીનામું આપનાર પુરુષોત્તમ સાબરિયા કોબાસ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ પહોંચ્યા હતા અને વાજતેગાજતે ભાજપમાં જોડાઇ ગયા હતા.
વધુ ત્રણને ખેડવવા પ્રયાસ
લોકસભાની ૨૬ બેઠકોને બચાવવા ભાજપ કોંગ્રેસના અધિકાંશ ધારાસભ્યોના સંપર્કમાં છે. મોરબીના બ્રિજેશ મેરજા, રાજૂલાના અમરિષ ડેર અને સોમનાથના વિમલ ચુડાસમા પણ ભાજપમાં જોડાઇ શકે છે. આમ કહીને એક ભાજપ નેતાએ ઉમેર્યું હતું કે, અમારા ધારાસભ્યોને તો સંસદીય સચિવનું પદ આપીને મનાવી લેવાશે.
ભાજપનું જ્ઞાતિ ગણિત
મંગળવારે વિધિવત કોંગ્રેસમાં જોડાયેલા યુવા પાટીદાર આંદોલનકારી હાર્દિક પટેલ જામનગર લોકસભા બેઠકથી ચૂંટણી લડશે તે લગભગ નિશ્ચિત મનાય છે. આથી સૌરાષ્ટ્રમાં ઝડપથી બદલતા રાજકીય સમીકરણને સરભર કરવા ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે. સૌથી પહેલા માણાવદરના આહીર નેતા જવાહર ચાવડા, પછી ધ્રાંગધ્રાના કોળી નેતા પરસોત્તમ સાબરિયા અને હવે જામનગરના સતવારા સમાજના આગેવાન વલ્લભ ધારવિયાને પણ ભાજપે પોતાની સાથે
લીધા છે.
આ ત્રણેય નેતાઓ સમાજની મજબૂત વોટબેંક જામનગરમાં છે. તદુઉપરાંત જામનગરની ક્ષત્રિય વોટબેંકને આકર્ષવા ભાજપે હકુભાને પ્રધાનપદ આપ્યું છે. હાર્દિક પટેલની સંભવિત ઉમેદવારીથી ભાજપના નેતાઓએ ચોમેરથી કોંગ્રેસના કાંગરા ખેરવવાનું શરૂ કર્યું છે.
અલ્પેશ કોંગ્રેસમાં જ...
અગાઉ અહેવાલ હતા કે અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ રહ્યા છે. જોકે કોંગ્રેસના દિલ્હી દરબાર સાથે ચર્ચા કર્યા બાદ અલ્પેશ ઠાકોરે જાહેર કર્યું હતું કે પોતે કોંગ્રેસ છોડીને ક્યાંય જવાના નથી.
સાથોસાથ અલ્પેશ ઠાકોરે એ પણ કબૂલ્યું હતું કે હા, હું ભાજપના સંપર્કમાં હતો. તેમણે કહ્યું હતું કે, પ્રધાન બનવાનું બધાને સારું લાગે. સત્તા બધાને સારી લાગે. હું છ મહિના પહેલાં જ પ્રધાન બની ગયો હોત. મેં પ્રધાન બનવાનું વિચાર્યું હતું. જોકે આ પછી તેણે તરત જ ઉમેર્યું હતું કે હવે હું કોંગ્રેસ પાર્ટી સાથે જ રહીશ અને તેનું સમર્થન કરીશ.
સૂત્રોએ દાવો કર્યો કે, ભાજપમાં કેબિનેટ પ્રધાન અને ચોક્કસ ખાતાંની માગણી કરી હતી, જેની સામે ભાજપે છેલ્લી ઘડીએ અલ્પેશને ભાજપમાં લેવાની યોજના પડતી મૂકી હતી અને જવાહર ચાવડાને પોતાની સાથે લીધા હતા.
ઓબીસી જાતિનું વર્ચસ
રાજકીય ગણિત પ્રમાણે જાતિગત સમતોલન જાળવવા માટે ધારાસભ્યથી લઈને પ્રધાનમંડળમાં સમાવેશ થાય છે. આ જાતિગત સમીકરણના આધારે જ ભાજપે પણ પ્રધાનમંડળમાં પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે. જાતિગત સમીકરણની વાત કરીએ તો સૌથી વધારે ઠાકોર, આહીર, ચૌધરી સહિતના સમાજ ધરાવતા ઓબીસી સમાજની ગુજરાતમાં આશરે ૪૦ ટકા જનસંખ્યા સામે સૌથી વધારે આઠ પ્રધાનો ગુજરાતના પ્રધાનમંડળમાં છે, જ્યારે ૧૪ ટકા જનસંખ્યા ધરાવતા પાટીદાર સમાજના સાત પ્રધાનો છે. આ ઉપરાંત ક્ષત્રિય પ્રધાનોની સંખ્યા ચાર છે અને એસસી-એસટી જાતિના પ્રધાનોની સંખ્યા ત્રણ છે.
કોંગ્રેસનો ‘દબદબો’
રાજ્યમાં સરકાર ભાજપની છે, પરંતુ પ્રધાનમંડળમાં દબદબો મૂળ કોંગ્રેસીઓનો છે. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને બાદ કરતાં કુલ ૨૨ પ્રધાન છે, જેમાંથી ૭ કોંગ્રેસમાંથી આવેલા છે. આમ ભાજપ સરકારમાં ત્રીજા ભાગના પ્રધાનો કોંગ્રેસી છે.
આ યાદીમાં કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, હકુભા જાડેજા, જયેશ રાદડિયા, બચુ ખાબડ, પરબત પટેલ અને જયદ્રથસિંહ પરમાર સામેલ છે.
કુંવરજી બાવળિયા ૨૦૧૭ની ગત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી જીત્યા હતા. જોકે કોંગ્રેસથી છેડો ફાડી રાતોરાત પ્રધાન બન્યા હતા. એ જ રીતે હવે જવાહર ચાવડા પ્રધાન બન્યા છે. પ્રધાનપદું ટકાવવા તેમને પેટા-ચૂંટણી જીતવી પડશે.
૨૦૧૭ની ચૂંટણી વખતે કોંગ્રેસથી છેડો ફાડનારા કે દ્રોહ કરનારા હકુભા જાડેજાને પણ પ્રધાનપદ મળ્યું છે. સરકારના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પણ મૂળ કોંગ્રેસી છે. એ જ રીતે એક જમાનામાં બચુ ખાબડ, પરબત પટેલ પણ અગાઉ કોંગ્રેસ પક્ષમાં હતા.
થોડાક સમય પૂર્વે જ ઊંઝાના કોંગ્રેસી ધારાસભ્ય આશાબહેને રાજીનામું આપ્યું છે, અને કેસરિયો ખેસ ધારણ કર્યો છે. હવે તેઓ ભાજપમાં વગદાર સ્થાન મેળવવાની રાહ જોઇ રહ્યા છે.


