મોરબીઃ ટંકારામાં ત્રણ વર્ષ પહેલાં મંજૂરી વગર જાહેરસભા યોજવા મામલે જાહેરનામા ભંગની ફરિયાદનાં વિવાદિત પ્રકરણમાં કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ અને બે ધારાસભ્યો સહિત ૩૦થી વધુ આરોપીઓ સામે ૧૨મી ઓક્ટોબરથી ડે ટુ ડે કોર્ટ કાર્યવાહી ચાલુ થવાની હતી. જોકે પ્રથમ દિવસે જ અચાનક સરકારની સૂચનાથી કેસ પરત ખેંચીને વિડ્રો જાહેર કરાતા અનેક તર્ક-વિતર્કો ઊઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭માં ચૂંટણી દરમિયાન ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પૂર્વ મંજૂરી લેવાયા વગર જાહેરસભા યોજાતાં એ સમયનાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ઉપરાંત ટંકારા-પડધરીનાં કોંગી ધારાસભ્ય લલિત કગથરા, ધોરાજી-ઉપલેટાના કોંગી ધારાસભ્ય લલિત વસોયા તેમજ આગેવાનો કિશોર ચીખલિયા, રેશ્માબહેન પટેલ, ગીતાબહેન પટેલ, મહેશ રાજકોટિયા, વરુણ પટેલ સહિતના ૩૪ લોકો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો હતો.