કોંગ્રેસી મૂળના મંત્રીઓ વિરોધમાં અગ્રેસર, જોકે નારાજગીનું અંતે સુરસૂરિયું

Friday 24th September 2021 15:13 EDT
 
 

અમદાવાદઃ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળ માટે વિચારાયેલી નો-રિપીટ થિયરીનો સૌથી ઉગ્ર વિરોધ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને મંત્રી બનેલા નેતાઓએ કર્યો હતો. સમર્થકોને મોટી સંખ્યામાં પોતાના બંગલે બોલાવીને કેટલાક મંત્રીઓએ શક્તિપ્રદર્શનનો પ્રયાસ પણ કર્યો હતો. મંત્રી ઉપરાંતના કોંગ્રેસમાંથી આવેલી સિનિયર ધારાસભ્યો પણ વિરોધમાં જોડાયા હતા. આમાંથી કેટલાકે તો પડતા મુકવા સામે ભાજપની ટોચની નેતાગીરીને અલ્ટીમેટમ પણ આપી દીધું હતું. આ નેતાના સમર્થકોએ ભાજપ સામે સોશિયલ મીડિયામાં આંદોલન છેડી દીધું હતું. નવા મંત્રીમંડળમાં નો-રિપીટ થિયરી અપનાવાશે તેવી વાત બહાર આવતા તત્કાલીન મંત્રીઓ કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા અને દિલીપ ઠાકોરના સમર્થકો નારાજ થયા હતા. કેટલાક સ્થળોએ વિરોધ પ્રદર્શન યોજાયા હતા. કેટલાકે તો રાજીનામાની ચીમકી સુદ્ધાં ઉચ્ચારી હતી. જોકે આ નારાજગીની અસર ભાજપ હાઈ કમાન્ડને જરાયે થઈ નહોતી. નક્કી થયા મુજબ જ મંત્રીમંડળની રચનામાં નો-રિપીટ થિયરી અપનાવવામાં આવી છે, એકેય મંત્રીને ફરીને તક અપાઈ નથી. આમ એકંદરે હાલ પૂરતું તો નારાજગીનું સૂરસૂરિયું થયું છે, જેમનું પત્તું કપાયું એ પૂર્વ મંત્રીઓએ પાર્ટીનો આદેશ માથે ચઢાવ્યો હોવાની વાતો કરી હતી.
કુંવરજી બાવળિયાના સમર્થનમાં વીંછિયામાં બંધ પાળવામાં આવ્યો હતો. જોકે બીજી તરફ બાવળિયાએ નવી સરકારમાં નો-રિપીટ થિયરી અપનાવવામાં આવી છે તે નિર્ણયને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે, પક્ષની નેતાગીરીએ જે નિર્ણય કર્યો છે તે શિરોમાન્ય છે, અમે ફરીથી અમારા વિસ્તારમાં કામે લાગી જઈશું. નો-રિપીટ થિયરી તમામ લોકોએ સ્વીકારવી જોઈએ તેવી અપીલ પણ કરી હતી. કોઈએ વિરોધ ન કરવો જોઈએ.
આવો જ સૂર કંઈક જવાહર ચાવડાએ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, તમામને પડતા મૂકવાનો પાર્ટીનો નિર્ણય સ્વીકાર્ય છે, પાર્ટીના કાર્યકર તરીકે કામ કરતો રહીશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter