કોંગ્રેસે 50 બેઠક પર ઉમેદવાર પસંદ કર્યાઃ જોકે નામ હમણાં જાહેર નહીં કરે

Saturday 15th October 2022 13:05 EDT
 
 

ગાંધીનગર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારીની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઇ છે. આ પ્રક્રિયામાં રાજયના જુદા જુદા વિસ્તારની 50 બેઠક પર ઉમેદવારો નક્કી થઇ ગયા હોવાનું કોંગ્રેસના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે. પક્ષના સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે, હાલના તબક્કે ઉમેદવારોના નામ જાહેર કરાશે નહીં, પણ ઉમેદવારોને સૂચના આપી દેવાઇ છે કે તમે તૈયારીઓ આરંભી શકો છો.
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વિવિધ બેઠક પર ઉમેદવારી કરવા માગતા દાવેદારોના નામ જિલ્લા કક્ષાએથી મગાવ્યા હતા. જિલ્લા કક્ષાએથી મળેલા નામમાંથી કોંગ્રેસે તમામ નામની સ્ક્રૂટિની હાથ ધરી હતી. આ નામ પૈકી 50 જેટલી બેઠકો પર ઉમેદવારો પસંદ કરાયા હોવાનું કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે.
સૂત્રોના કહ્યા પ્રમાણે 50 બેઠક પર ચાલુ ધારાસભ્ય, જૂનાં ચહેરા, નવા ચહેરાઓની પસંદગી કરાઇ છે. આ 50 નામની જાહેરાત કરવાની તૈયારીમાં કોંગ્રેસ હતી ત્યારે આ નામ હજુ જાહેર ન કરવા જોઇએ તેવો એક મત આવ્યો હતો. નામ જાહેર કરવા સામે બે મત હતા એક મત એવો હતો કે, નામ જાહેર કરવા જોઇએ, જ્યારે બીજો મત એવો હતો કે નામ જાહેર કર્યા વગર ઉમેદવારોને સીધી સૂચના આપો કે ચૂંટણીની તૈયારીઓ તેઓ શરૂ કરી શકે છે.
કોંગ્રેસે એકમતે નક્કી કર્યું હતું કે, ઉમેદવારોના નામ જાહેર કરવાને બદલે સીધી સૂચના આપીએ કે તેમને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે તેઓ તૈયારી શરૂ કરી શકે છે. પસંદ કરાયેલા 50 ઉમેદવારોને સૂચના આપી દીધી છે કે, તેમને ચૂંટણી લડવાની છે. હાલ બાકીની બેઠકો પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter