ગાંધીનગરઃ ભાજપના ૩૭માં સ્થાપના દિવસે ‘ભારત માતા કી જય’ના નારા સાથે અમદાવાદના સ્ટેડિયમ ચાર રસ્તાથી નીકળેલી ગૌરવકૂચ સુભાષબ્રિજ કલેક્ટર કચેરી સામે સભામાં ફેરવાઈ હતી. કાર્યકરોને સંબોધતા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે અનેક દાખલાઓ આપીને ભાજપના રાષ્ટ્રવાદના વિચારને સમજાવ્યો હતો. તેમણે કહ્યં હતું કે, ઘટના કોઈ પણ ખૂણે બને તેની પીડા આખા દેશને થાય તેવી સંવેદના સાથે એકાત્મ માનવવાદના સિદ્ધાંતને વરેલી આ પાર્ટી સેંકડો કાર્યકરોના સખત પરિશ્રમથી ઊભી થઈ છે.
મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, યુવા કાર્યકરોએ ભાજપની સ્થાપનાકાળના કાર્યકરોનો પરિશ્રમ અને ઈતિહાસ જોવો જોઈએ. કાશ્મીરમાં પંડિતો ઉપર અત્યાચારો વચ્ચે દેશવિરોધી તત્ત્વોની ચીમકી સામે જે ૨૫૦ કાર્યકરો શ્રીનગરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવનારમાં હું પણ એક હતી. ઘટના કોઈ પણ ખૂણામાં બને તેની પીડા આખા દેશને થાય તેવી વિચારધારા ભાજપની છે.


