અમદાવાદ: અભિનેત્રી કંગના રનૌત અને શિવસેના વચ્ચે પાછલા કેટલાક દિવસથી મૌખિક યુદ્ધ ચાલી રહ્યું છે. કંગનાએ મુંબઈ પોલીસ અને શિવસેના ઉપર નિશાન સાધતાં મુંબઈની તુલના પીઓકે સાથે પણ કરી હતી. એ પછી શિવસેનાના નેતા સંજય રાઉતે કંગના વિરુદ્ધમાં જણાવ્યું હતું કે, કોઈની હિંમત છે કે અમદાવાદને મિની પાકિસ્તાન કહી શકે? રાઉતના આ નિવેદનથી ગુજરાતમાં રોષની લાગણી ફેલાઈ છે અને રાઉત ગુજરાતની માફી માગે તેવી માગ કરાઈ છે. ગુજરાતના રાજકીય નેતાઓએ કહ્યું છે કે, ગુજરાતને અને અમદાવાદને ટાર્ગેટ કરીને, બદનામ કરવાના ઈરાદે શિવસેનાના નેતા સંજય રાઉતે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. તેમણે ગુજરાતનું અપમાન કર્યું છે. સંજય રાઉતે ગુજરાત એ ગાંધી અને સરદારની ભૂમિને બદનામ કરવાની હરકત કરી છે તે બદલ તેમણે માફી માગવી જોઈએ. ફિલ્મ અભિનેત્રીના ઝઘડામાં શિવસેના નેતાએ ગુજરાતને વચ્ચે લાવવું ના જોઈએ.
આ વિવાદ વચ્ચે આઠમીએ કંગનાએ જાહેરાત કરી હતી કે, તે એકાદ દિવસમાં જ મુંબઈ આવશે. જોકે કંગનાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ હિમાચલ સરકાર મુંબઈ જવાની પરવાનગી આપશે તેવા પણ અહેવાલ છે.