કોબામાં પ્રભુ મહાવીરના ભાલે સૂર્યતિલક

Tuesday 26th May 2020 10:44 EDT
 
 

ગાંધીનગરઃ અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર કોબા સ્થિત જૈન તીર્થ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૨મી મેના રોજ બપોરે ૨ કલાક ૭ મિનિટે ચરમતીર્થપતિ ૨૪મા તીર્થંકર મૂળનાયક મહાવીર સ્વામી ભગવાનના ભાલપ્રદેશ ઉપર સૂર્યકિરણના દૈદિપ્યમાન પ્રકાશપુંજનો અદ્‌ભુત નજારો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે વૈશ્વિક કોરોના મહામારીને પગલે થયેલાં લોકડાઉનને કારણે દર્શનાર્થીઓ માટે જૈન તીર્થ ખાતે પ્રત્યક્ષ પ્રવેશ નહોતો, પરંતુ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી ઓનલાઈન દર્શન કરીને આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા હતા.
જૈનાચાર્ય અજયસાગર સૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું કે પરમ પૂજ્ય આચાર્ય કૈલાસસાગર સૂરીશ્વરજીના કાળધર્મ બાદ તેઓની સ્મૃતિ ચિરસ્મરણીય રહે તે માટે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આ જૈન તીર્થ ખાતે શિલ્પશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનાં ત્રિવેણીસંગમ સમાન આ અદ્‌ભુત ઘટના નિર્માણ પામે છે. આ વર્ષે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી મ.સા. સહિત સાધુ-સાધ્વીજી ભગવંતોની સ્થિરતા જૈન તીર્થ કોબા ખાતે જોવા મળી.
વર્ષો પૂર્વે એક વાર એવું બન્યું હતું કે જ્યારે કાળાડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા અને બધાને એવું લાગ્યું હતું કે આ વર્ષે દર્શન થશે કે નહીં, પરંતુ જેવો ૨.૦૭ મિનિટ સુધીનો સમય આવ્યો કે તરત વાદળો હટી ગયા અને પ્રભુ મહાવીરના ભાલે સૂર્યતિલક થયું હતું. આ ઘટના જ સૂચવે છે કે આજ દિન સુધી સૂર્યતિલકનો નજારો ન જોવા મળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ નથી.

રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું કે અમારા ગુરુ પરમ પૂ. કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા. પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન સ્વાધ્યાય - અધ્યયન અને પરમાત્માની ભક્તિમાં સતત કાર્યરત રહ્યા હતા. તેઓના જીવનમાંથી સરળતા, નમ્રતા અને પવિત્રતાના ગુણોને જીવનમાં આત્મસાત્ કરવા જેવા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter