કોમી એખલાસ વચ્ચે રાજ્યભરમાં રથયાત્રા અને ઈદની ઊજવણી

Wednesday 22nd July 2015 08:58 EDT
 
 

અમદાવાદઃ શહેરમાં જમાલપુર ખાતેના જાણીતા જગન્નાથજી મંદિરેથી અષાઢી બીજ-૧૮ જુલાઇએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી તથા ભાઈ બળદેવજીની ૧૩૮મી રથયાત્રા રંગેચંગે પરંપરાગત માર્ગે નીકળી હતી. આ દિવસે રમઝાન ઇદ હોવાથી મુસ્લિમ બિરાદરોએ પણ આ તહેવારની ઉજવણી કરી હતી. એક જ દિવસે બંને તહેવારની શાંતિપૂર્વક ઉજવણી થતાં પોલીસ તંત્રે પણ હાશકારો અનુભવ્યો હતો. જગન્નાથજી મંદિર વહેલી સવારે મંગળા આરતી બાદ મુખ્ય પ્રધાન આનંદીબહેન દ્વારા સતત બીજા વર્ષે કરાયેલી પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ થયો હતો.
રમઝાન ઈદ અને રથયાત્રાનો તહેવાર સાથે હોવાથી પોલીસે પણ શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સતત ૧૩મી વખત મંગળાઆરતીમાં હાજર રહી ધન્યતા અનુભવી હતી. રથયાત્રા તેના નિયત સમય કરતાં એકથી દોઢ કલાક મોડી ચાલી રહી હતી. ‘જય રણછોડ-માખણ ચોર’ના નારા સાથે આ વખતે રથયાત્રામાં મોટી સંખ્યા માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું. મુખ્ય પ્રધાને ગુજરાતમાં થયેલા વરસાદના વિલંબ અંગે ભગવાનના પ્રાર્થના-અર્ચના કરી ત્વરાએ મેઘ મહેરની આશિષની વાંછના કરી હતી. ૧૩૦૦ જેટલા ખલાસી ભાઈઓએ ત્રણેય રથને ખેંચવાની કામગીરી સંભાળી હતી. રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર આગળ વધી બપોરે મોસાળ સરસપુર ખાતે પહોંચી હતી. જ્યાં ભગવાનનું ભવ્ય સ્વાગત થયું હતું. સરસપુરમાં આશરે બે લાખથી વધુ લોકોએ મહાપ્રસાદ લીધો હતો.
મામેરાનું ૨૦૩૫ સુધી વેઇટિંગ
ઘોડાસરના કીર્તિભાઈ છનાભાઇ પટેલે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામને ૨૦ પ્રકારના આભૂષણો મામેરામાં આપ્યા હતા. જેમાં ભગવાન જગન્નાથને રજવાડી પાઘડી, પિતામ્બર, પછેડી અને ખેસ સહિતના વસ્ત્રો, ચાંદીના હાર, પાયલ હતા જ્યારે બહેન સુભદ્રા માટે સોનાની ચૂની, વીંટી, બુટ્ટી, દોરો ચાંદીનો હાર, પાયલ સહિતના આભૂષણો ચડાવાયા હતા. આમ રૂ. ચાર લાખનું મામેરૂ કરાયું હતું. જોકે, મામેરા માટે વર્ષ ૨૦૩૫ સુધીનું વેઇટિંગ છે.
એક લાખથી વધુ ભક્તોને પ્રસાદ
જગન્નાથ મંદિરમાં મંગળા આરતી વખતે ભોગમાં ભગવાન જગન્નાથને ખીચડી ગવાર કોળાનું શાક અને દહીંનો વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. જેનો પ્રસાદ લેવાનો રથયાત્રામાં વિશેષ મહિમા રહેલો છે. મંગળા આરતી બાદ ધરાવાયેલા ભોગ પ્રસાદ લેવા માટે ભક્તોએ મંદિરમાં લાંબી લાઇનો લગાડી હતી. અડધો કલાક સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પ્રસાદ લેવા માટે નંબર આવ્યો હતો. દિવસ દરમિયાનમાં એક લાખથી વધુ લોકોએ ખીચડીનો પ્રસાદ લીધો હતો. મોડે સુધી પ્રસાદનું વિતરણ ચાલ્યું હતું. ખીચડીના પ્રસાદ માટે ત્રણ હજાર કિલો ચોખા, ૮૦૦ કિલો દાળ, ૧૫૦૦ કિલો ડ્રાયફૂટ, ૩૦૦ કિલો ગવાર, ૩૦૦ કિલો કોળું, ૩૦૦ કિલો દહીં, ૧૧૫ ડબા ચોખ્ખા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રસાદ લેવા માટે મોડી રાતથી ભક્તો અમદાવાદના આજુ-બાજુના ગામડાઓમાંથી પણ જમાલપુર મંદિરે આવી જતા હોય છે.
૪૦૦ વર્ષ પહેલા ગાદી સ્થાપન
લગભગ ૪૦૦ વર્ષ પહેલાં રામાનંદી સંત શ્રી હનુમાનદાસજીએ આજના જગન્નાથજીના મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી. એમના પછી ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી ત્યારથી આ મંદિર ‘જગન્નાથજીની મંદિર’ તરીકે જાણીતું બન્યું છે. એમના પછી બાલમુકુંદ દાસજી આવ્યા અને તે પછી નરસિંહદાસજી આવ્યા. નરસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજી આવ્યા અને તેમણે રથયાત્રા શરૂ કરી. લોકવાયકાઓ અનુસાર ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ પણ રથયાત્રાની પોતાની જવાબદારી સ્વીકારી લીધી.
આમ ૧૮૭૬થી શરૂ થયેલી રથયાત્રામાં પરંપરા મુજબ રથ ખેંચવાનું કાર્ય ખલાસ કોમના ભાઇઓ દર વર્ષે કરે છે. ૧૩૭ વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રા ઉત્તરોત્તર મોટી થતી ગઇ. નરસિંહદાસજી મહારાજે પ્રથમવાર કાઢેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં બિરાજમાન કરાયા હતાં. ત્યારથી લઇને આજ સુધીમાં રથયાત્રા ઐતિહાસિકથી મોડર્ન બની ગઇ છે.
રાજ્યભરમાં રથયાત્રા
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, ધોળકા, વિરમગામ, પેટલાદ, ઇડર, ખેડબ્રહ્મા, મહેસાણા, વિસનગર સહિતનાં અનેક નાના-મોટા શહેરો, નગરો અને ગામોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળી હતી. રાજ્યમાં કુલ ૧૪૭થી વધુ સ્થળોએ રથયાત્રાઓ નીકળી હોવાનું જાણવા મળે છે. આ તમામ રથયાત્રાઓનું મુખ્ય પ્રેરણાસ્ત્રોત અમદાવાદ છે. અમદાવાદમાં ઇસ્કોન મંદિરની રથયાત્રા શહેરના પશ્ચિમ વિસ્તારમાં નીકળી હતી. ઉપરાંત સ્વામિનારાયણ ગુરુકુળની રથયાત્રા સહિત વિવિધ શાળાઓની રથયાત્રાઓએ પણ આકર્ષણ જમાવ્યું હતું. સૌરાષ્ટ્રના પોરબંદરમાં તો ૩૩ વર્ષ પછી આ વખતે રથયાત્રા નીકળી હતી, તો માતૃતીર્થ સિદ્ધપુરમાં નીકળેલી જગન્નાથજીની રથયાત્રાને પિતાંબરધારી બ્રાહ્મણ બટુકો અને યુવાનોએ ૧૦૦ ફૂટ લાંબા દોરડા વડે ખેંચી હતી. આ વખતે રથયાત્રા અને ઇદના તહેવારોનો સમન્વય થયો હોઇ બંનેની ઉજવણીમાં કોમી એખલાસનો રંગ ભળ્યો હતો. રાજ્યભરમાં તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા સંપૂર્ણ શાન્તિપૂર્ણ રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter