અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી બાદ કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે, હાઈ કોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરતા રાજ્ય સરકારને સુચનો આપ્યા છે કે, ‘રાજ્યમાં કોરોનાને લઈને ફરીથી સ્થિતિ વણસી શકે છે, આ સ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય સરકાર સજ્જ રહે. જેના માટે, રાજ્ય સરકાર કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ્સની સુવિધા પૂરતા પ્રમાણમાં રાખે. આ હોસ્પિટલ્સમાં પથારીઓની સુવિધા પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખે. જેથી, કોરોનાના દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં.’ હાઈ કોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે, ‘કોરોના સંદર્ભે લોકોનું લાપરવાહી ભર્યું વલણ કે બેદરકારી ચિંતાજનક છે. જેના લીધે, રાજ્ય સરકારે ફરી એકવાર લોકડાઉન અમલમાં મુકવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.’ કેસની વધુ સુનાવણી નવમી એપ્રિલે હાથ ધરાશે. કોર્ટે આદેશ કર્યો છે કે, ‘સમાજના ગરીબ લોકો રોગની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવતા હોય છે. આ સંજોગોમાં સરકારી હોસ્પિટલમાં અપૂરતા ડોક્ટર્સ, દવાઓનો અપૂરતો જથ્થો, સાધનો કે અન્ય માળખાકીય સુવિધાના અભાવે ગરીબ લોકો હેરાન થાય નહીં, તેનુ ખાસ ધ્યાન રાખો.
કોર્ટે સૂચવ્યું હતું કે શહેરોમાં કોરોના ટેસ્ટિંગ વધારો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર જાહેર સ્થળો પર વિજીલન્સ ટીમ ગોઠવો, જાહેર સ્થળો પર ફરજીયાત માસ્ક પહેરવાનો કડકાઈથી અમલ કરાવો, લગ્ન કે અન્ય કાર્યક્રમોમાં લોકોની સંખ્યા કેટલી છે તેના પર સરકાર ધ્યાન રાખે તે જરૂરી છે.

