કોરોના મૂક્યો કોરાણેઃ ગુજરાતમાં તાળા ખૂલ્યાં

Wednesday 20th May 2020 04:16 EDT
 
લોકડાઉન હળવું થયા બાદ મંગળવારે અમદાવાદમાં અનેક સ્થળે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા
 

અમદાવાદ: કોરોનાના પ્રકોપના કારણે છેલ્લા ૫૪ દિવસથી લોકડાઉન તળે રહેલા ગુજરાતભરમાં મંગળવારથી વેપાર - ઉદ્યોગની તમામ પ્રવૃત્તિ ધમધમતી થઇ ગઇ છે. જોકે આમાં કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદ અને સુરત સહિતના શહેરો અને જિલ્લાના કન્ટેન્મેન્ટ ઝોન અને રેડ ઝોન હેઠળના વિસ્તારો સામેલ નથી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમવારે સાંજે જ રાજ્યમાં ચોક્કસ શરતોને આધીન છૂટછાટની જાહેરાત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેર કર્યું હતું તેમ દેશભરમાં નવા રંગરૂપ સાથે લોકડાઉનનો ચોથો તબક્કો લાગુ થયો છે. ગુજરાત સરકારે આ ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને કન્ટેન્મેન્ટ ઝોન અને રેડ ઝોન સિવાયના સમગ્ર રાજ્યમાં સવારે આઠ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી વેપાર - ધંધા - રોજગાર ચાલુ કરવા મંજૂરી આપી છે. જોકે રાજ્યમાં રાત્રે સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી અગાઉની જેમ જ કરફ્યુનો ચુસ્ત અમલ કરાવાશે.
રાજ્ય સરકારે કોરોનાના સેંકડો કેસ ધરાવતા અમદાવાદના ૧૦ અને સુરતના ૭૨ રેડ ઝોનમાં કોઈ જ છૂટછાટ આપી નથી. આ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાયની અન્ય કોઈ બાબતે રાહત અપાઇ નથી. ઉલ્લેખનીય છે કે ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર ગુજરાત સરકારે રાજ્યના જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજિત કર્યા છે. આમાંથી ઓરેન્જ અને રેડ ઝોનમાં આવતા જિલ્લાઓના વિસ્તારોને કન્ટેન્મેન્ટ અને બફર ઝોનમાં વહેંચી દેવાયા છે. આમ કુલ ૮ મહાનગરપાલિકા અને ૩૩ જિલ્લામાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ આ ઝોનમાં નિયંત્રણ વધુ આકરા છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે કન્ટેન્મેન્ટ ઝોનમાં કેસોમાં થનારી વધઘટને ધ્યાનમાં રાખીને સમયાંતરે ફેરફાર કરાશે.
રાજ્યમાં ૫૪ દિવસના જડબેસલાક લોકડાઉન બાદ ગુજરાત સરકારે લોકડાઉન-૪ માટેના નવા નિયમો અને નિયંત્રણોની સોમવારે જાહેરાત કરી હતી. સમગ્ર રાજ્યમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ ચાલુ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ બસો અમદાવાદ શહેરમાં પ્રવેશશે પણ નહીં કે શહેરમાંથી કોઇ બસ ઉપડશે પણ નહીં.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૮મી મેએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી લોકડાઉન ફોરમાં છૂટછાટોની જાહેરાત કરી હતી. એ સમયે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તથા ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ મુખ્ય પ્રધાન સાથે જોડાયા હતાં. રાજ્યમાં આર્થિક સ્થિતિ વધુ ડામાડોળ ન થાય તે માટે રાજ્યમાં ઘણી છૂટછાટો જાહેર થઈ હોવાનું અનુમાન છે.

રાજ્યમાં ૭૫ ટકા ગતિવિધિ શરૂ

મુખ્ય પ્રધાનની જાહેરાત પછી રાજ્યમાં ૭૫ ટકા વ્યાવસાયિક ગતિવિધિઓ શરૂ થઈ હતી. સોમવારે મુખ્ય પ્રધાને લોકડાઉન-૪માં મળનારી છૂટછાટોનું એલાન કર્યું હતું. જે મુજબ રાજ્યને બે ભાગમાં વહેંચી દેવાયું છે. એક તો કન્ટેઇનમેન્ટ ઝોન અને બીજું નોન-કન્ટેઇનમેન્ટ ઝોન.
નોન-કન્ટેઇનમેન્ટ ઝોનમાં મંગળવારથી કરિયાણાની દુકાનો, પ્રાઇવેટ ઓફિસ, ઇલેક્ટ્રીક દુકાનો, ચા-પાણીની દુકાનો, સલૂન વગેરે ખૂલી શકશે તેવી જાહેરાત થઈ હતી. દુકાનોનો સમય સવારે ૮ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધીનો રાખવાની સૂચના અપાઈ હતી.

કોરોનાના ભય વચ્ચે દુકાનો ખૂલી

રાજ્યમાં ૧૯મીથી સવારે ૮થી સાંજે ૪ સુધી દુકાન-ઓફિસો ખોલવાની છૂટ જાહેર કરાઈ હતી. જોકે કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધુ તકેદારી જારી રહેશે તેવું પણ જાહેર કરાયું હતું. મંગળવારથી લોકડાઉનના આકરા નિયંત્રણોમાંથી રાજ્ય બહાર આવતું દેખાયું હતું.

અમદાવાદ પશ્ચિમમાં ગ્રીન સિગ્નલ, પૂર્વમાં રેડ

ગુજરાતમાં જોકે કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન-૪નો અમલ થશે. સમગ્ર દેશમાં કોરોનાના કેસને મામલે મુંબઇ બાદ બીજું સ્થાન ધરાવતા અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર પ્રમાણે છૂટછાટ અપાઈ છે. ૩૩ ટકા કેપેસિટી સાથે પ્રાઇવેટ ઓફિસ પણ કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં ચાલુ કરવાની છૂટ મળી છે, પરંતુ અમદાવાદ શહેરમાં પૂર્વમાં ખાનગી ઓફિસો હાલ બંધ રહેશે.
સાબરમતી નદીની પશ્ચિમે આવેલા અમદાવાદ નગરમાં કન્ટેન્મેન્ટ ઝોનની બહાર આર્થિક ગતિવિધિઓ, વેપાર-ધંધા-ઓફિસ ચાલુ કરવાની છૂટ મળી છે. અમદાવાદ મહાનગરના પૂર્વ વિસ્તારમાં આવી છૂટછાટ આપવામાં આવી નથી. નોંધનીય છે કે અમદાવાદના પૂર્વ વિસ્તાર અને રાજ્યના અન્ય કન્ટેન્મેન્ટ ઝોનની આશરે ૫૦ લાખની વસતિ જ લોકડાઉન હેઠળ રહે છે. બાકીના ૯૨ ટકાથી વધુ લોકોને લોકડાઉનમાંથી મુક્તિ મળી છે.

અમદાવાદ-સુરતમાં આકરા અંકુશ

કોરોના વાઇરસના સંક્રમણના ૮૬૦૦થી વધુ કેસ ધરાવતા અમદાવાદ અને ૧૧૨૭ કેસ ધરાવતા સુરતના ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં દુકાનો એકી અને બેકી નંબરના ધોરણે એકાંતરે ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. દુકાનમાં એક સાથે પાંચથી વધુ કસ્ટમર્સ પ્રવેશ ન લે તે જોવાની જવાબદારી દુકાનદારોને માથે નાખવામાં આવી છે.
બીજી તરફ ઓફિસોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે ૩૩ ટકા સ્ટાફની હાજરી સાથે ઓફિસ ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે.
રાજ્યભરમાં મંગળવારથી લોકડાઉન-૪ની ગુજરાત સરકારની ગાઈડલાઈન અમલી બની છે. ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો ચુસ્ત અમલ કરાવાશે.
અમદાવાદના કન્ટેન્મેન્ટ ઝોન - રેડ ઝોનમાં મૂકાયેલા બહેરામપુરા, દાણીલીમડા, મણિનગર, ગોમતીપુર, રખિયાલ, સરસપુર, અસારવા, ખાડિયા, જમાલપુર, શાહપુર અને દરિયાપુરમાં કોઈ જ મુક્તિ અપાઇ નથી.
અમદાવાદ અને સુરતના ૭૨ રેડ ઝોન વિસ્તારની પ્રજાને પણ તેમના વિસ્તારથી બહાર અવરજવર કરવાની ઇમરજન્સી કેસ સિવાય છૂટ નથી. સુરતના ૭૨ રેડ ઝોન - કન્ટેન્મેન્ટ ઝોનમાં કોઈ જ છૂટછાટ આપવામાં આવી નથી, પરંતુ ૧૯ ઓરેન્જ ઝોનમાં અને ૧૦ ગ્રીન ઝોનમાં ઓટોરિક્ષા દોડાવવાની, ટેક્સી ચલાવવાની, એકી નંબર અને બેકી નંબર પ્રમાણે એકાંતરે દુકાનો ખોલવાની છૂટ અપાઇ છે.

સુરતમાં પણ અમદાવાદ જેવા નિયમો

સુરતમાં પણ અમદાવાદ જેવા નિયમો લાગુ કરાયા છે. સુરતમાં ઓડ અને ઇવન એટલે કે એકી નંબર અને બેકી નંબરની દુકાન પ્રમાણે ટેક્સટાઈલ માર્કેટ ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે. ડાયમંડ, વિવિંગ અને પાવરલૂમ્સ યુનિટોને પણ ૫૦ ટકા સ્ટાફ સાથે ચાલુ કરવાની છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે. જોકે તેની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે.

જોકે આ બધા પર રાજ્યમાં પ્રતિબંધિત

ગુજરાત સરકારે જોકે રાજ્યમાં ક્યાંય પણ શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો, કોચિંગ ક્લાસ, જિમ, સ્વિમિંગ પુલ, બાગ-બગીચા, શોપિંગ મોલ, થિયેટર, ધાર્મિક અને જાહેર મેળાવડાઓ યોજવા કે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની છૂટ નથી. લગ્ન જેવા સમારોહમાં ૫૦થી વધુ લોકો હાજર રહી શકશે નહીં તો સ્વજનની અંતિમક્રિયામાં ૨૦થી વધુ લોકોના જોડાવા મનાઇ ફરમાવાઇ છે. સમગ્ર ગુજરાતમાં માલવાહક ટ્રાન્સપોર્ટ માટે છૂટ આપવામાં આવી છે.

અમદાવાદના નવા મ્યુનિ. કમિશનર મુકેશ કુમાર

પાછલાં દિવસોમાં કન્ટેન્મેન્ટ ઝોન અમદાવાદમાં પોતાની કાર્યશૈલીને કારણે સરકાર સાથે સંઘર્ષમાં આવેલા અમદાવાદના  મ્યુનિસિપલ કમિશનર અને ૨૦૦૧ બેચના સનદી અધિકારી વિજય નેહરાની ગુજરાત સરકારે બદલી કરી નાંખી છે. તેમને ગ્રામ વિકાસ કમિશનર અને ગ્રામ વિકાસ વિભાગના સચિવનો સંયુક્ત હવાલો સોંપાયો છે. નરેન્દ્ર મોદીના ગુજરાતમાં શાસનકાળ દરમિયાન તેમના સચિવ તરીકે કામ કરી ચૂકેલા નેહરાને સરકારમાં પ્રમાણમાં ઓછી મહત્ત્વની કામગીરી સોંપાઇ હોવાનું ૧૭મી મેએ જાહેર થયું હતું. આમ નહેરાને સરકારે ‘કન્ટેઇનમેન્ટ ઝોન’ માં મૂક્યા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter