ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ચોથી જાન્યુઆરીએ જાહેર કર્યું છે કે, રાજ્યમાં કોરોના વેક્સિનેશનને લગતી બધી જ તૈયારીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એટલે કેન્દ્ર સરકાર રસીકરણ શરૂ કરવાનું કહે અને રસી રાજ્યમાં આવી જાય એ પછી તુરંત રસી આપવાની કામગીરી શરૂ થશે.
કોવિડ-૧૯ સામેના રસીકરણ માટે સંપૂર્ણ સજ્જ હોવાનો દાવો કરતાં રૂપાણીએ જણાવ્યું કે, હવે ટૂંક સમયમાં જ મેઇડ ઇન ઇન્ડિયા વેક્સિન રાજ્યમાં આવી જશે. તેમણે ઉમેર્યું કે, કયા વર્ગને અગ્રતાક્રમે રસી આપવી તે અંગે સર્વેક્ષણ થઈ ચૂક્યું છે. કેવી રીતે રસીકરણ કરવું તે અંગે સંબંધિત સ્ટાફને તાલીમ પણ આપી દેવાઈ છે તેમજ રસીઓ રાજ્યમાં આવે પછી ક્યાં સ્ટોર કરવી તેની કોલ્ડચેઇન પણ બની ગઈ છે.
નાયબ મુખ્ય પ્રધાને અગાઉ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં આરોગ્ય ક્ષેત્રના તબીબો, અધિકારીઓ - સ્ટાફને, બીજા તબક્કામાં પોલીસ, આશાવર્કર્સ તથા અન્ય સરકારી સ્ટાફને અને ત્રીજા તથા અંતિમ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન અપાશે.
૩૦૦ શાળાઓમાં વેક્સિન સેન્ટર
અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં કોરોનાની વેક્સિન આપવાની તૈયારીઓનો આરંભ કર્યો છે. પાલિકાને આશા છે કે, ઉત્તરાયણ પછી એટલે કે ૧૫મી જાન્યુઆરી પછી કોરોના વાઈરસની વેક્સિન આવી જશે. વેક્સિનના પ્રોટોકોલ પ્રમાણે, ૬૮૨ ટીમને તાલીમ આપવામાં આવી છે.
એક ટીમ એક દિવસમાં ઓછામાં ઓછા ૧૦૦ વ્યક્તિને રસી આપી શકશે. રસી આપ્યા બાદ નાગરિકને એક કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે. આ માટે મોટા કેમ્પસની જરૂર પડશે. તેથી અમદાવાદ મ્યુનિસિપાલિટીએ શહેરની ૩૦૦ સ્કૂલોને વેક્સિન સેન્ટરમાં ફેરવવાનું જાહેર કર્યું છે.
તાજેતરમાં મહાપાલિકાએ ૩૦ ખાનગી હોસ્પિટલોનો સેમિનાર યોજ્યો હતો જેમાં રસી આપ્યા બાદ જો દર્દીને કોઇ તકલીફ આવે તો શું ટ્રીટમેન્ટ આપી શકાય? તે અંગે વિગતવાર ચર્ચા થઇ હતી. આ સાથે વેક્સિન આપવામાં ખાનગી હોસ્પિટલોની ભૂમિકા અંગે પણ માહિતી અપાઇ હતી.
રસી પહેલાં જ કોરોનાના વળતા પાણી
કોરોના અંગે એક તરફ રાજ્યમાં રસી ટૂંક સમયમાં આવશેના સારા સમાચાર છે તો બીજા રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાંચમીના છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૫૫ પોઝિટિવ કેસ, મૃતકાંક ૪ અને ૮૬૮ રિકવર કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોનામાંથી દર્દીઓનો સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને ૯૪.૭૧ ટકાએ પહોંચ્યો છે. આ સાથે ગુજરાતમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓનો કુલ આંક ૨૩૫૫૨૬ અને કુલ મૃતકાંક ૪૩૨૫ થયો હતો.
CMOમાં એક સાથે ૧૧થી વધારે કોરોનાગ્રસ્ત
સ્વર્ણિમ સંકૂલના બીજા અને ત્રીજા માળે મુખ્ય પ્રધાન કાર્યાલયમાં પહેલીવાર એક સાથે ૧૧થી વધુ અધિકારીઓ - કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતાં સચિવાલય કેમ્પસને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝેશન સહિતની વ્યવસ્થાઓના અમલ માટે એલર્ટ કરાયું છે. ચોથીએ બપોર પછી તાકીદના ધોરણે CMOમાં પ્રવેશ નિષેધ કરાયો હતો. ૩૧મી ડિસેમ્બરે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન – ISO સર્ટિફિકેશન માટે સ્વર્ણિમ સંકૂલના ત્રીજા ચોથા માળે અને બ્લોક નંબર-૧ના ભોંયતળિયે આવેલી ચીફ મિનિસ્ટર ઓફિસ (CMO)માં દિલ્હીથી આવેલી ટીમે નિરીક્ષણ કર્યું હતું. આ પછી બીજીએ CMOમાં ચોથા માળે બેસતા સંયુક્ત સચિવ, નાયબ સચિવોની ચેમ્બરોમાં ફરજ બજાવતા સાત જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ હતા. એ પછી સોમવારે વધુ એક કર્મચારી કોરોના પોઝિટિવ થતાં CMOમાં પ્રવેશ નિષેધ કરાયો હતો.














