કોરોના વાઈરસના કહેર વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં

Tuesday 31st March 2020 06:25 EDT
 
 

ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભય ફેલાયો છે ત્યારે કુદરત પણ રૂઠી હોય તેમ ૨૫મી માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં પગલે ૨૫મીએ અને ૨૬મીએ રાજ્યમાં ઠેર ઠેર કમોસમી માવઠાં થયાં હતાં. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક કમોસમી વરસાદ અને કરા પડ્યાં હતાં. વરસાદથી ખેતરોમાં તૈયાર રવી પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને જીરું, કપાસ, ઘઉં, રાયડો, એરંડા અને કેરી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું હતું. ઉત્તરીય પાકિસ્તાન અને જમ્મુ કાશ્મીરમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાનમાં સર્ક્યુલેશન ઊભું થયું હતું અને તેથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો.
૨૫મી માર્ચથી હવામાનમાં ફેરફાર સાથે ૨૬મી માર્ચે પણ કચ્છમાં ભુજ, નખત્રાણા, રાપર સહિતનાં વિવિધ વિસ્તારોમાં ઝરમરથી મધ્યમ વરસાદ પડયો હતો. નેત્રા પંથકમાં ૨૬મી માર્ચે વહેલી સવારે ૪:૩૦ વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો ઠંડીથી ઠુંઠવાઇ ગયા હતા. નાના બાળકોને સ્વેટર, મોજાં તેમજ ટોપી પહેરવાની ફરજ પડી હતી. સૌરાષ્ટ્રમાં લીમડી પંથકમાં વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં. પંચમહાલ-મહિસાગર જિલ્લામાં ૨૫મી માર્ચે મોડી રાત્રે વરસાદ વરસતા ખેતી પાકને નુકસાન જણાયું હતું. સામાન્ય રીતે ચૈત્ર-વૈશાખ મહિનામાં મધ્ય ગુજરાતમાં પ્રખર તાપ અને ગરમી અનુભવાતી હોય છે. જોકે ૨૬મી માર્ચે રાત્રે અરવલ્લી, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સુરત શહેરમાં ૨૬મીએ વહેલી સવારે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. નર્મદા જિલ્લામાં ઠેર ઠેર વરસાદ સાથે કરા પડ્યા હતા. અંકલેશ્વરમાં ખેડૂતોનો તૈયાર પાક ખેતરમાં પડેલો હતો જે પલળી ગયો હતો.
ભારે પવન સાથેના વરસાદથી ઝઘડિયા સહિતના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી દાહોદ શહેર સહિત જિલ્લામાં માર્ચના છેલ્લા સપ્તાહમાં બીજી વખત વરસાદથી ખેડૂતો ચિંતામાં છે. આખા જિલ્લામાં ૨૬મીએ વીજળીના કડાકા અને વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. ઝાલોદ તાલુકામાં પાંચ અને ગરબાડા તાલુકામાં બે મીમી વરસાદ નોંધાયો હતો અને મોટીહાંડી ગામમાં વાવાઝોડાને કારણે તારાજી સર્જાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter