ગાંધીનગરઃ કોરોના સંક્રમણ અંગે ગુજરાતની સ્થિતિમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ૮મી સપ્ટેમ્બરના અહેવાલો અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૯૫ પોઝિટિવ કેસ નોંધાતાં રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો ૧૦૬૯૬૬ થયો છે. મંગળવારે ૧૩ દર્દીઓએ દમ તોડતાં રાજ્યમાં કુલ મૃતકાંક ૩૧૩૬ થયો છે જ્યારે ૧૪૪૫ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને હરાવ્યા સાથે રાજ્યમાં કોરોનામાંથી સાજા થનારાઓની કુલ સંખ્યા ૮૭૪૮૯ થઈ છે. રાજ્યમાં મંગળવારના છેલ્લા ૨૪ કલાકમાં ૭૨૦૭૬ ટેસ્ટ કરાયા હતા. આ સાથે કોરોનામાંથી દર્દીઓનો સાજા થવાનો દર ૮૧.૭૮ ટકા નોંધાયો છે અને રાજ્યમાં હાલમાં ૫.૮૦ લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
ગુજરાતમાં સોમવારથી છેલ્લા ૭ દિવસમાં ૯ હજારથી વધુને સંક્રમણ નોંધાયા હતા અને આશરે સપ્તાહ પછી મંગળવારે રોજિંદા કોરોના સંક્રમણ કેસનો આંકડો ૧૩૦૦થી ઓછો નોંધાયો હતો. બાકી એક સપ્તાહથી કોરોના સંક્રમિતોનો રોજિંદો આંકડો સરેરાશ ૧૩૦૫થી ૧૩૩૫ની વચ્ચે હતો. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ કોરોના કેસનો કુલ આંક ૯૨૩૬ નોંધાયો હતો. રાજ્યમાં સુરતમાં કોરોના ચિંતાજનક સ્તરે છે. સુરતમાં ૭ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બરના એક માસમાં જ કોવિડ-૧૯ના ૭૮૪૬ કેસ વધ્યા છે.
કોવિડ કેસમાં સૌરાષ્ટ્રનો હિસ્સો ૧૯.૨૫ ટકા
૧૬ માર્ચથી ગુજરાતમાં શરૂ થયેલા કોરોના સંક્રમણે બે મહિનામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમાંય અનલોકના પ્રારંભથી સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ જેટ ગતિએ વધવા લાગ્યા હતા. સોમવારના અહેવાલ પ્રમાણે ગુજરાતના કુલ ૧૦.૩૦ લાખ કેસમાં એકલા સૌરાષ્ટ્રના ૧૯.૮૪ કેસ અર્થાત ૧૯.૨૫ ટકા કેસ છે. તેમાં પણ સૌથી વધુ કેસ રાજકોટમાં અને સૌથી ઓછા દ્વારકા જિલ્લામાં છે. બીજી તરફ ગુજરાતમાં અત્યાર સુધીમાં કોવિડથી મૃત્યુ પામનારા ૮.૮૯ ટકા દર્દી સૌરાષ્ટ્રના હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યાના ૧૭.૫૦ ટકા સૌરાષ્ટ્રના છે.
રાજ્યમાં પ્રથમવાર કોરોનાગ્રસ્ત મૃતદેહનું પોસ્ટમોર્ટમ
કોરોના સંક્રમણ દિવસે ને દિવસે માઝા મૂકી રહ્યું છે ત્યારે કોરોનાને અટકાવવા અનેક પગલાં લેવાઈ રહ્યાં છે. કોરોનાની શરીરમાં અસર અને તેનો ફેલાવો અટકાવવા અંગેના રિસર્ચ માટે રાજકોટ મેડિકલ કોલેજ દ્વારા કોરોનાગ્રસ્ત મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાશે. તેવા અહેવાલો છે. આ માટે ખાસ પોસ્ટમોર્ટમ રૂમ પણ તૈયાર કરાયો હોવાનું ચર્ચાય છે.
રાજકોટ મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડો. હેતલ કયાડાએ છઠ્ઠીએ જણાવ્યું કે, કોવિડ-૧૯ આખા વિશ્વ માટે નવા પ્રકારની બીમારી છે. તેની માનવશરીર પર શું અસર થાય છે? તે જાણવા કોરોનાથી જેનું મૃત્યુ થયું છે તેના મૃતદેહનું પરીક્ષણ (પોસ્ટમોર્ટમ) કરવાનો નિર્ણય લેવાયો છે. શરીરના ક્યા ક્યા અંગ પર તેની કેવી અસર થાય છે તે રિસર્ચમાં સ્પષ્ટ થયા બાદ તેના ઉપાયો માટેનો માર્ગ સરળ બની શકશે.
રિસર્ચ - પોસ્ટમોર્ટમ માટે કેવા મૃતદેહનો ઉપયોગ કરવો? પોસ્ટમોર્ટમ કરતી વખતે કેવી તકેદારી રાખવી? વગેરે તકેદારી સાથે સાથે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સ્વીકારતાં પહેલાં મૃતકનાં પરિજનોની મંજૂરી લેવાશે. તેવું પણ ડો. હેતલે જણાવ્યું હતું. જે મૃતદેહનું પીએમ કરાશે તે મૃતકનું નામ જાહેર કરાશે કે નહીં તે સહિતના પ્રોટોકોલ પણ નક્કી કરાયા હોવાનું ડો. હેતલે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં અત્યાર સુધીમાં માત્ર ભોપાલ એઇમ્સમાં જ એક કોરોનાગ્રસ્ત મૃતકનું પીએમ થયું છે. ગુજરાતમાં માત્ર રાજકોટમાં આ કામગીરી થશે.
માત્ર ૮ કલાકમાં જ ભાજપના ૫ નેતાઓ કોરોનાગ્રસ્ત થઇ ગયા
રાજ્યમાં ૨૭મી ઓગસ્ટે ૮ કલાકમાં ભાજપના ૫ નેતાઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા અને ગુજરાતના ત્રીજા સાંસદ ડો. કિરીટ સોલંકી પણ કોરોના સંક્રમિત થયા હતા. કિરીટ સોલંકીએ સંપર્કમાં આવેલા સૌને તબીબી સલાહની ચેતવણી આપી હતી. આમ સાંસદો અમિત શાહ, રમેશ ધડુક અને ડો. કિરીટ સોલંકી કોરોનાગ્રસ્ત થતાં સારવાર હેઠળ મુકાયા હતા. આ સાથે ૧૬ ધારાસભ્ય, એક પૂર્વ મુખ્ય પ્રધાન અને એક પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજ્યમાં સંક્રમિત થયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનામુક્ત થયેલા તબીબો ફરી કોરોના સંક્રમિત થતાં ભય ફેલાયો છે.
ત્રણ ડોક્ટર સહિત ચાર ફરી સંક્રમિત
અમદાવાદમાં કોરોના વાઇરસનું સંક્રમણ ધીમું પડયું છે, પણ ભય હજુ ટળ્યો નથી. હવે અમદાવાદમાં કોરોના વાઇરસના રિ-ઇન્ફેક્શનને રોકવાનો વધુ એક નવો પડકાર ઉભો થઇ રહ્યો છે. અમદાવાદ મ્યુનિ.એ સોમવારે સત્તાવાર જાહેરાત કરી કે, શહેરમાં ચાર એવા કેસ સામે આવ્યા છે કે, જેઓ એકવાર કોરોના પોઝિટિવ થયા બાદ સાજા થયાં હતા અને ફરીથી કોરોનાગ્રસ્ત થયાં છે. આ ચાર કેસમાં ત્રણ રેસિડેન્ટ ડોક્ટરનો સમાવેશ થાય છે જ્યારે એક દાણીલીમડાનાં મહિલાને ફરી કોરોનાનું ઇન્ફેક્શન લાગ્યું છે.
એએમસીએ જણાવ્યું હતું કે, આ મહિલાની ઉંમર ૬૦ વર્ષ છે. ત્રણ તબીબો પૈકી બે ડોક્ટર એલજી હોસ્પિટલના છે. GCRI હોસ્પિટલના ૩૩ વર્ષના પુરુષ રેસિડેન્ટ તબીબને કોરોના છે. આ તમામ કેસમાં પ્રથમવાર ચેપ ૧૩ એપ્રિલથી ૨૧ એપ્રિલ વચ્ચે લાગ્યો હતો. એ પછી બીજી વાર ચેપ ૧૮મી ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર વચ્ચે લાગ્યો છે. આ ચાર કેસ પછી બીજી વાર ચેપ લાગ્યો હોય તે વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી છે તેમણે કેરળની મુલાકાત લીધી હતી. જોકે, અન્ય ત્રણ દર્દીઓ તો અમદાવાદમાં જ હતા. આ ચારેય કેસમાં દર્દીઓને પ્રથમ વારના ચેપ અને બીજી વારના ચેપમાં હળવા લક્ષણો હતા અથવા તો લક્ષણો જોવા મળ્યાં ન હતા. સોમવારે એક દર્દી સ્વસ્થ થયાં છે જ્યારે અન્ય એક દર્દી GCRI હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર લઇ રહ્યાં છે. જ્યારે બે દર્દી હોમ આઇસોલેશનમાં છે.
શાહીબાગ બીએસપીએસ મંદિરના ૨૮ સંત-સ્વયંસેવક સંક્રમિત
અગાઉ ૩જી સપ્ટેમ્બરના અહેવાલો પ્રમાણે શાહીબાગના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં અમદાવાદ મહાપાલિકાએ સંતો અને સ્વયંસેવકોનાં મળીને કુલ ૧૫૦ કોરોના ટેસ્ટ કર્યાં હતાં. જેમાંથી મંદિરનાં ૨૮ સંત અને સ્વયંસેવકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તમામને મ્યુનિસિપાલિટીએ કોવિડ કેર સેન્ટર તેમજ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ૩જીએ અમદાવાદના નવા ૨૮ વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા હતા. ગુરુકુળ વિસ્તારમાં આવેલી નવનીત એજ્યુકેશનની ઓફિસમાં પણ મ્યુનિ.એ ૩જીએ કરેલા ૨૮૯ ટેસ્ટમાં ૯ વ્યક્તિ પોઝિટિવ આવ્યા હતા. તેમને પણ સારવાર માટે કોવિડ કેર સેન્ટરમાં મોકલાયા હતા.
મહેમદાવાદના યુવા કલાકારનું લંડનમાં કોરોનાથી મોત નિપજ્યું
મહેમદાવાદ તાલુકાના ચારણના મૂવાડા ગામના અને મહેમદાવાદની ગઢવી સોસાયટીમાં રહેતા એક યુવકનું લંડનમાં કોરોનાથી મૃત્યુ નીપજ્યું છે. થોડા વર્ષો પહેલાં લંડન સ્થાયી થયેલા યુવા કલાકારનું તાજેતરમાં કોરોનાને કારણે મૃત્યુ નિપજતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિજય ગઢવી બાળપણથી સંગીત સાથે જોડાયેલા હતા. તેમણે યુવાન કલાકાર તરીકેની ખ્યાતિ મેળવી હતી. સ્કૂલ અભ્યાસથી જ સંગીતમાં રુચિ હોવાથી આગળ જતાં સંગીતના માધ્યમથી વિદેશમાં સ્થાયી થયા હતા. અસંખ્ય નાના-મોટા પ્રોગ્રામો કરી તાલુકા તેમજ જિલ્લામાં જાણીતા હતા. છેલ્લા કેટલાંય સમયથી તેઓ લંડનમાં સ્થાયી થયા હતા. જ્યાં તેમણે લોકસંસ્કૃતિના વારસાને આગળ ધપાવી નામના મેળવી હતી.
રાજ્યમાં ‘કોરોના વિજય રથ’
ગુજરાતમાં કોરોના મહામારી સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે હવે રાજ્યમાં ‘કોરોના વિજય રથ’ ફેરવવાનું શરૂ થયું છે. સોમવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ, સુરત અને જૂનાગઢ એમ પાંચ જિલ્લામાં વિજય રથને ઇ-ફ્લેગથી તાજેતરમાં લીલીઝંડી આપી હતી. પીઆઈબી, ગુજરાત યુનિવર્સિટી અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલો આ ‘કોરોના વિજય રથ’ રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૯૦ જેટલા તાલુકાઓમાં ૪૪ દિવસ પ્રવાસ કરશે. પ્રત્યેક રથ રોજ ૬૦ કિલોમીટરનું અંતર કપાશે. રથમાં સવાર કલાકારો કોરોના જાગૃતિ અંગે સંદેશ આપશે. મુખ્ય પ્રધાને આ રથ અંગે એવી આશા વ્યક્ત કરી હતી કે, ધનવંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ હેલ્ફલાઈન પછી હવે કોરોના વિજય રથના માધ્યમથી કોરોના સામેના યુદ્ધમાં આપણે જીત મેળવીશું.