પાંચ મહિનામાં ૨૦ હજાર યુવાનને સરકારી નોકરી
કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં અટવાઇ પડેલી સરકારી ભરતી પ્રક્રિયા હવે તાત્કાલિક શરૂ કરીને આગામી પાંચ મહિનામાં ૨૦ હજાર યુવાનોને સરકારી નોકરી આપવાની જાહેરાત રાજ્ય સરકારે પાંચમી સપ્ટેમ્બરે કરી છે. લાંબા સમયથી યુવાનો રોકાયેલી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગણી કરી રહ્યા હતા. દરમિયાનમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિવિધ ભરતી સમિતિઓની બેઠક બોલાવીને પ્રક્રિયા શરૂ કરવાના આદેશ આપ્યા હતા. જોકે, ભરતી માટેની પરીક્ષા કોરોનાની સ્થિતિ થાળે પડે પછી જ યોજાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
MLA, પ્રધાનોનાં પગારમાં ૧ વર્ષ સુધી ૩૦ ટકા કાપ
કોરોના મહામારીની સ્થિતિમાં રાજ્ય સરકારની આર્થિક સ્થિતિને અસર પડી છે ત્યારે સરકારે પ્રધાનો અને ધારાસભ્યોના પગારમાં એક વર્ષ સુધી ૩૦ ટકાનો કાપ મૂકવાની જાહેરાત બીજી સપ્ટેમ્બરે કરાઈ હતી.
આગામી વિધાનસભા સત્રમાં તેનું બિલ પણ પસાર કરવામાં આવશે. આ ઉપરાંત કરાર આધારિત અધિકારીઓ અને કર્મચારીઓના પગારમાં પણ ૩૦ ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે, ધારાસભ્યો અને પદાધિકારીઓનાં પગાર કાપથી એક વર્ષમાં રૂ. ૬.૨૭ કરોડની બચત થશે, જે રકમ કોરોના સામેની લડતના ખર્ચ માટે વાપરી શકાશે.
રાજ્યમાં ઓફિસ – દુકાનોનાં ભાડામાં ઘટાડો
કોરોનામાં લોકડાઉન અને પછી મર્યાદિત અનલોકને કારણે તમામ ઉદ્યોગ-ધંધા અસરગ્રસ્ત થયાં છે. દુકાનદારોથી માંડીને કોર્પોરેટ્સ પર આવેલા આર્થિક દબાણની અસર હવે ખાલી ભાડાની પ્રોપર્ટી પર જોવા મળી રહી છે. ગુજરાતના આંકડા ચોંકાવનારા છે કે એપ્રિલથી ઓગસ્ટ સુધીના ૬ મહિનામાં ૩.૭૮ કરોડ ચો. ફૂટ ભાડાની પ્રોપર્ટી ખાલી થઇ છે. આ ખાલી થનારી ભાડાની પ્રોપર્ટીની સંખ્યા ૪૩.૧૨૯ છે, પણ એક્સપર્ટર્સ જણાવે છે કે આ મહામારીએ એક તક પણ પેદા કરી છે. દુકાનોનાં ભાડા ૨૦થી ૫૦ ટકા સુધી ઘટી ગયાં છે તો ઓફિસ સ્પેસનાં ભાડાં પણ ૧૫થી ૨૦ ટકા સુધી ઓછાં થયાં છે. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ કેતન દેસાઇ જણાવે છે કે કોરોના એવું કરી બતાવ્યું જે ૨૦૦૮થી ભારે મંદી પણ નહોતી કરી શકી.
કોરોનાના સંકટ વચ્ચે બે લાખ મકાન વેચાયાં
કોરોના સંક્રમણ અને લોકડાઉનને કારણે તમામ ક્ષેત્રોને આર્થિક ફટકો પડ્યો છે અને મંદીનો માહોલ છે ત્યારે રાજ્યમાં જમીન-મકાનના દસ્તાવેજોમાં ભારે તેજી જોવા મળી છે. લોકડાઉન ખૂલ્યા બાદ દસ્તાવેજોની નોંધણીમાં ભારે ધસારો જોવા મળે છે. ૨૪ એપ્રિલથી ૧ સપ્ટેમ્બર સુધીના પાંચ મહિનામાં જ રાજ્યની સબરજિસ્ટ્રાર કચેરીઓમાં કુલ ૨૮૬૮૦૧ દસ્તાવેજો નોંધવામાં આવ્યા છે. જેની સામે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યૂટી પેટે ૧૪૦૩ કરોડની માતબર આવક થઇ છે. દસ્તાવેજોનો ટ્રેન્ડ જોતા હવે કોરોના સંક્રમણ અને આર્થિક મંદીના દોર વચ્ચે રિઅલ એસ્ટેટ સેક્ટરમાં સારા દિવસોનો અણસાર આવી રહ્યો છે. લોકડાઉન પછીના આ ચાર મહિનામાં જ દોઢથી બે લાખ મકાનો વેચાયાં હોવાનો અંદાજ છે. લોકડાઉન વચ્ચે સબરજિસ્ટ્રાર કચેરીઓમાં ૨૪ એપ્રિલથી દસ્તાવેજોની નોંધણી શરૂ થઇ હતી પરંતુ એપ્રિલના પાંચ દિવસમાં માત્ર ૧૭૪ દસ્તાવેજો થયા હતા અને માત્ર ૪૬.૭૨ લાખની સ્ટેમ્પ ડ્યૂટીની આવક થઇ હતી.
કોઈ પણ દેશમાંથી કરેલી મેડિકલ ઈન્ટર્નશિપ હવે માન્ય ગણાશે
ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ માટે એમસીઆઈ દ્વારા ફરી એકવાર સ્પષ્ટતા સાથે નવો પરિપત્ર કરવામાં આવ્યો છે જે મુજબ હવે બહાર કોઈપણ દેશમાંથી એમબીબીએસના અભ્યાસક્રમ અંતર્ગત કરેલી જે તે દેશના નિયમ મુજબની ઈન્ટર્નશિપ કે ક્લર્કશિપ ભારતમાં રજિસ્ટ્રેશન માટે માન્ય ગણાશે.
મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા-એમસીઆઈ દ્વારા તમામ રાજ્યોની સ્ટેટ મેડિકલ કાઉન્સિલોને પરિપત્ર કરીને ફોરેને મેડિકલ ગ્રેજ્યુએટ્સની ઈન્ટર્નશિપ સ્વીકારવા બાબતે એડવાઈઝરી આપવામાં આવી છે. જે મુજબ મેડિકલ કાઉન્સિલ એક્ટની સેક્શન ૧૩ (૩) હેઠળ હવે ધ્યાન લેવામાં આવશે કે ભારત બહાર મેડિકલ કોલેજો દ્વારા અપાતી મેડિકલ ક્વોલિકેશન હવે ભારતમાં મેડિકલ ગ્રેજ્યુએટ્સના રજિસ્ટ્રેશન માટે માન્ય ગણાશે.