અમદાવાદઃ ગુજરાતમાં મંગળવારે ૨,૨૨૦ કેસ નોંધાવવાની સાથે જ કુલ કેસનો આંક હવે ૩ લાખને પાર થયો છે. ગુજરાત દેશનું એવું ૧૨મું રાજ્ય છે જ્યાં કોરોનાના ૩ લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. ગુજરાતમાં ૨.૫૦ લાખથી ૨.૭૫ લાખ સુધી કેસ પહોંચવામાં ૬૧ દિવસ થયા હતા, પરંતુ ૨.૭૫ લાખથી ૩ લાખ કેસ માત્ર ૧૮ દિવસમાં પૂરા થયા છે. ગુજરાતમાં કોરોનાના ૩,૦૦,૦૮૬ કેસ નોંધાયા છે. હાલમા ૧૨,૨૬૩ એક્ટિવ કેસ છે અને ૪,૫૧૦ના કોરોનાથી મૃત્યુ થયા છે. જ્યારે ૨,૮૮,૫૬૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ સરેરાશ ૪,૯૩૫ વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ ચૂકી છે.
રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે સુરત, વડોદરા બીજા સ્થાને છે. આમ, રાજ્યમાં કુલ કેસના ૨૩.૫૦ ટકા કેસ અમદાવાદ, ૨૦.૯૦ ટકા કેસ સુરત, ૧૧.૨૦ ટકા કેસ વડોદરા જ્યારે ૮.૭૦% રાજકોટમાંથી છે.
રાજ્યમાં મંગળવારે કોરોનાથી કુલ ૧૦ વ્યક્તિનાં મૃત્યુ નોંધાયા હતા, જેમાંથી પાંચ અમદાવાદના, ચાર સુરતના અને એક વડોદરાના દર્દીનો સમાવેશ થાય છે. જોકે રાજ્યમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ ૯૪.૫૧ ટકા છે.
કોરોના વેક્સિનેશનનો આંક ૫૦ લાખને પાર
ગુજરાતમાં કોરોના રસીકરણના ડોઝનો આંક ૫૦ લાખને વટાવી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૭,૪૫,૪૯૪ વ્યક્તિને પ્રથમ ડોઝનું અને ૬,૪૩,૮૫૫ વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ, કુલ ૫૩,૮૯,૩૪૯ રસીકરણના ડોઝ અપાયા છે. મહારાષ્ટ્ર-રાજસ્થાન-ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત એવું ચોથું રાજ્ય છે જ્યાં ૫૦ લાખથી વધુ રસીકરણના ડોઝ અપાયા છે.
દરમિયાન ગુજરાતને ભારત સરકાર તરફથી ૨૭મી માર્ચે કોવિશિલ્ડ રસીના ૧૮ લાખ ડોઝનો જથ્થો મળ્યો છે. આ જથ્થા સહિત અત્યાર સુધી રાજ્યને કોવિશિલ્ડ રસીના ૫૭,૦૬,૯૭૦ અને કોવેક્સિન રસીના ૯,૮૨,૦૦૦ ડોઝનો જથ્થો મળ્યો છે.
વિધાનસભામાં આઠથી વધુ ધારાસભ્યોને કોરોના
વિધાનસભા બજેટ સત્રના સમાપનને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપના એક સાંસદ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. વિધાનસભા બજેટસત્ર હવે અંતિમ તબક્કામાં છે. પહેલી એપ્રિલે વિધાનસભાનું કામકાજ પૂર્ણ થઈ જશે. ૩૧મી માર્ચે લવજેહાદનું બિલ વિધાનસભામાં પસાર થઈ શકે છે.
દરમિયાન, ધારાસભ્ય પૂંજા વંશ, નૌશાદ સોલંકી, બાબુ જમના, ભરતજી ઠાકોર, ભીખાભાઇ બારૈયા, વિજય પટેલ, મોહન ઢોડિયા સહિતના ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યાં છે.
વિધાનસભામાં કોરોનાએ એન્ટ્રી કરતાં માત્ર ધારાસભ્યો જ નહીં, પણ પાંચ ડેપ્યુટી સેક્રેટરી પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતાં. આ ઉપરાંત ત્રણ મંત્રીના પર્સનલ આસિસ્ટન્ટને પણ કોરોના થયો હતો. આ દરમિયાન, વલસાડના ધારાસભ્ય પરત પટેલને ય કોરોના થયો હતો. ભરત પટેલ શુક્રવારે જ વિધાનસભામાં હાજરી આપીને વલસાડ પરત ફર્યા હતા.
આઇઆઇએમના વિદ્યાર્થી સુપર સ્પ્રેડર બન્યા
અમદાવાદમાં છેલ્લાં એક પખવાડિયાથી કોરોનાના રોગચાળાએ ફરી માથું ઉંચક્યું છે. આઇઆઇએમમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે અને આઇઆઇએમ કેમ્પસમાં ૩૮ વિદ્યાર્થી સહિત ૪૦ જેટલા લોકોના કોવિડ-૧૯ના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોરોનાની ઝપટમાં આવેલી વિદ્યાર્થીઓ પૈકી પાંચ વિદ્યાર્થી ગત તા. ૧૨ માર્ચે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ જોવા ગયા હતા અને કોરોનાથી સંક્રમિત થઈને આવેલા આ પાંચ વિદ્યાર્થીઓ સુપર સ્પ્રેડર હોવાનું જાણવા મળે છે.
ક્રિકેટ મેચ જોવા માટે આઇઆઇએમનાં ૬ વિદ્યાર્થી ગયા હતા અને તે પૈકી ૫ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કેમ્પસમાં કોરોના વકરવાને પગલે ફફડાટ ફેલાયો છે. આઇઆઇએમનાં વિદ્યાર્થીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં તેમણે પરીક્ષામાં બેસવાનું હોવાથી આ પાંચ વિદ્યાર્થીઓએ માહિતી છૂપાવી હતી.
આમ, કોરોના પોઝિટિવ રીપોર્ટની માહિતી છૂપાવનાર વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનાર આઇઆઇએમ કેમ્પસના અન્ય વિદ્યાર્થીઓ, સ્ટાફ, અને પ્રોફેસર પણ કોરોનાની ઝપટમાં આવી ગયા હોવાનું માનવામાં આવે છે.
દૈનિક કેસમાં સીધો ૧૮થી ૨૫ ટકાનો ઉછાળો
ગુજરાતમાં બે દિવસમાં દૈનિક કેસ નોંધાવાના ગ્રોથમાં સીધો ૧૮થી ૨૫ ટકાનો ઉછાળો છે. શનિવારે સાંજે નવા ૧,૫૬૫ કેસ નોધાયા છે, જેના બે દિવસ પહેલા એટલે કે, ૧૮મી માર્ચે ૧,૨૭૬ કેસ નોધાયા હતા. આમ બે દિવસમાં કુલ ૨૮૯ કેસનો વધારો થયો છે, જેની ટકાવારી જોઈએ તો ૧૮.૪૬ ટકા થાય છે. એ પહેલાના બે દિવસમાં ૩૨૨ કેસ વધ્યા છે જેની ટકાવારી ૨૫.૨૩ ટકા થાય છે. આ સિવાય ૧૪મી માર્ચે ૮૧૦ કેસ નોધાયા હતા જેમાં ૧૪૪ કેસના વધારા સાથે ૧૬મી માર્ચે ૯૫૪ કેસ નોધાયા હતા. જેની ટકાવારી ૧૮ ટકા થયા છે.
૨૦ જિલ્લા હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન નથી
કોરોનાના સંક્રમણ બાદ દર્દીને ફેફસામાં કેટલું સંક્રમણ થયું છે અને ફેફસાની સ્થિતિ કેવી છે તે ચકાસવા સીટી સ્કેન મશીનનો ઉપયોગ થાય છે. જોકે નંબર વન ગણાતાં ગુજરાતની ૨૦ જિલ્લા હોસ્પિટલોમાં સીટી સ્કેન મશીનો જ નથી જ્યારે ગંભીર રોગોના નિદાન માટે જરૂરી એવાં એમઆરઆઇ મશીન રાજ્યની ૨૮ જિલ્લા હોસ્પિટલો પાસે નથી. રાજ્યમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત ૧૬ હોસ્પિટલોમાં જ સીટી સ્કેન મશીન છે.
વિધાનસભામાં આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પુછાયેલા સવાલમાં નીતિન પટેલે આપેલા જવાબમાં જણાવ્યાં અનુસાર જામનગર, દેવભૂમિ દ્વારકા, આણંદ, સુરેન્દ્રનગર, અમરેલી, મહિસાગર, છોટા ઉદેપુર, ડાંગ, પંચમહાલ, અરવલ્લી, કચ્છ, બોટાદ, ગાંધીનગર, બનાસકાંઠા, તાપી, નવસારી, વલસાડ, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં એક પણ સીટી સ્કેન મશીન નથી.
ગુજરાત બહારથી આવતા તમામ માટે ટેસ્ટ ફરજિયાત
અન્ય રાજ્યથી ગુજરાત આવનારાઓ માટે ૧ એપ્રિલથી RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે. ગુજરાતમાં પ્રવેશના છેલ્લા ૭૨ કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલો હોવો જોઇએ અને તે નેગેટિવ હોવો અનિવાર્ય છે. આ ઉપરાંત ૧ એપ્રિલથી અન્ય રાજ્યથી ગુજરાત આવનારા તમામ પ્રવાસીનું બોર્ડર પર પહેલા સ્ક્રીનિંગ કરાશે અને પછી જ પ્રવેશ અપાશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં થઇ રહેલા સતત વધારાને પગલે આ નિર્ણય લેવાયો છે.
ગુજરાત સંભવતઃ એવું સંભવિત પ્રથમ રાજ્ય છે જેણે અન્ય રાજ્યોમાંથી આવનારા માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કર્યો છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ જણાવ્યું કે, 'રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી ગુજરાત પ્રવેશ ઇચ્છુક તમામ નાગરિકોએRT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવેલો હોવો જરૂરી છે અને જે નાગરિકોનો ટેસ્ટ નેગેટિવ હશે તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં આવતા તમામ વ્યક્તિઓએ પ્રવેશના છેલ્લા ૭૨ કલાકમાં ટેસ્ટ કરાવેલ હોવો જોઇએ અને રીપોર્ટ નેગેટીવ હોવો અનિવાર્ય છે.
મહારાષ્ટ્રથી આવતા લોકો પર ખાસ નજર
મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓનું સઘન સ્ક્રીનીંગ થયા બાદ જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે પરંતુ દેશ ના ઘણા રાજ્યોમાં વધી રહેલા કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને લેતા તેમજ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિઓમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળતું હોઈ દેશના અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોના RT-PCR ટેસ્ટ કરાવવાનું જરૂરી છે.
અન્ય રાજ્યોમાંથી કોવડ-૧૯નાં કેસોનો વ્યાપ ન વધે તે માટે તકેદારીના ભાગરૂપે એપિડેમિક ડીસીઝ એકટ અન્વયે મળેલ સત્તાની રૂએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ ઈચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લા ૭૨ કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ હોય તેઓને જ પ્રવેશ મળવાપાત્ર થશે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે આવતા તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ ફ૨જયાત પણે ક૨વાનું રહેશે. આ હુકમ ૧ એપ્રિલથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.


