અમદાવાદ: કોરોના વાઈરસનો ફેલાવો રોકવા અને લોકડાઉન વચ્ચે કેટલાય શુભ પ્રસંગોને પાછા ઠેલવામાં આવી રહ્યાં છે અથવા તો પ્રસંગે ટૂંકે પૂરો કરવા માટે લોકો તૈયાર થઈ રહ્યાં છે ત્યારે જ્યોતિષીઓએ જણાવ્યું છે કે, ૨૦૨૦ના બાકી રહેલા ગાળામાં હવે માત્ર ૨૬ લગ્નમુહૂર્ત જ રહ્યાં છે. ૧૩ એપ્રિલે રાત્રે ૮.૨૪ વાગ્યે સૂર્યના મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરવાથી મિનારક, કમૂરતા પૂર્ણ થવાથી શુભ કે માંગલિક કાર્યો આદરાશે. લગ્નના ખૂબ જ ઓછાં મુહૂર્ત છે. ૨૬મી એપ્રિલે એ અખાત્રીજના આખા દિવસનું વણજોવાનું મુહૂર્ત છે. અખાત્રીજ વણમાગ્યુ મુહૂર્ત ગણાય છે, પણ આ વખતે લોકડાઉનને કારણે પાંચ હજારથી વધુ લગ્ન નહીં થાય. લોકડાઉનને કારણે ૨૦૨૦ના એપ્રિલ અને મે મહિનામાં લગ્નની સંભાવના ન હોવાથી ૨૦થી ઓછા મુહૂર્ત રહેવાનો અંદાજ છે.