કોલ સેન્ટર કેસઃ હર્ષ પટેલે ગુનો કબૂલ્યો

Wednesday 17th May 2017 06:53 EDT
 
 

વોશિંગ્ટનઃ ભારતમાં બેઠા બેઠા પોતાની જાતને અમેરિકી ટેક્સ ઓફિસર કે ઇમિગ્રેશન ઓફિસર તરીકે ઓળખાવી સેંકડો અમેરિકન સાથે છેતરપીંડી આચરવાના કોલ સેન્ટર કૌભાંડમાં વધુ એક ગુજરાતીએ ગુનો કબૂલ્યો છે.
અનેક લોકો છેતરપિંડી આચર્યાની કબૂલાત કરનાર હર્ષ પટેલ ત્રીજો ગુજરાતી છે. એક સમયે ન્યૂ જર્સીમાં રહેતા હર્ષ સહિત ૫૦ કરતાં વધુ આરોપી તેમજ ગુજરાતમાં ધમધમતા પાંચ કોલ સેન્ટરો સામે ફ્રોડ અને મની લોન્ડરિંગ બદલ કેસ કરાયા છે. હર્ષ પટેલે ટેકસાસના સધર્ન ડિસ્ટ્રીક્ટના જજ ડેવિડ હિટનર સમક્ષ પોતાનો ગુનો કબુલ્યો હતો. તેને આગામી સાત ઓગસ્ટે સજા ફરમાવાશે.
હર્ષ પટેલે કરેલી કબૂલાત મુજબ, તે અને તેના સાથીઓ એક ખૂબ જ ગુંચવણભરી સ્કિમ બનાવતા હતા. આ પછી અમદાવાદસ્થિત કોલ સેન્ટરોમાં કામ કરતા કોલર્સ નિર્દોષ લોકોને ફોન કરીને અમેરિકાના ટેક્સ ઓફિસર અથવા રેવન્યુ સર્વિસ અથવા તો ઇમિગ્રેશન ઓફિસર તરીકે પોતાની ઓળખ આપીને તેમની પાસેથી હજારો ડોલર પડાવતા હતા.
ડેટા બ્રોકર્સ અને અન્ય સ્ત્રોતો પાસેથી માહિતી મેળવી કોલ સેન્ટર ઓપરેટર્સ અમેરિકન નાગરિકોને એવી ચીમકી આપતા હતા કે તેઓ સરકારને બાકી લેણું નહીં ચૂકવે તો તેમની ધરપકડ કરાશે. તેમની સામે કાનૂની કાર્યવાહી બાદ જેલ અને દંડ જેવી સજા થશે તેમજ તેમને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવશે. જાન્યુઆરી ૨૦૧૫થી હર્ષ પટેલ ન્યૂ જર્સી, કેલિફોર્નિયા અને ઇલિનોઇમાંથી છેતરપિંડી આચરતો હતો. આ કૌભાંડમાં ગુનો કબુલનાર હર્ષ ત્રીજો ગુજરાતી છે.
અગાઉ ૪૩ વર્ષના ભરત પટેલ પણ ફ્રોડ અને મની લોન્ડરિંગમાં પોતાની ભૂમિકાની કબૂલાત કરી ચૂક્યો છે. આ પછી ૨૮ વર્ષના અશ્વિન ચૌધરીએ પણ વિવિધ ટેલિફોન ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં પોતાની સંડોવણી હોવાનું કબૂલ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter