કોલ સેન્ટર કૌભાંડઃ હિંગળાજાને એફબીઆઈ સિંગાપુરથી ઉપાડી ગઈ, સેગી ફરાર

Wednesday 22nd May 2019 07:02 EDT
 

અમદાવાદઃ સોલા કોલ સેન્ટર કૌભાંડના મૂખ્ય સૂત્રધાર અને મહત્ત્વના આરોપી બંને ગુજરાત પોલીસના હાથમાંથી છટકી ગયાનું જાણવા મળ્યું છે. સૂત્રધાર મનાતો સેગી ઉર્ફે સાગર ઠાકર પૂણેથી જામીન મેળવી બીજો પાસપોર્ટ કઢાવી વિદેશ નાસી ગયો તો હિતેશ હિંગળાજા સિંગાપુરમાં ઝડપાયો કે તરત જ અમેરિકાની એજન્સી એફબીઆઈ તેને ત્યાંથી જ સીધો ઉપાડી અમેરિકા લઈ ગઈ. જોકે ગુજરાત પોલીસ તેની ફાઈલ મેળવવામાં મોડી પડી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સંપર્કની ચર્ચા
આ ઘટનાના કારણે ચર્ચાય છે કે, ગુજરાતના ટોચના એક આઈપીએસ અધિકારી ચિંતામાં છે કે તેમની સાથેની સાંઠગાંઠ હિંગળાજા છતી કરશે તો? કહેવાય છે કે આ બીકે તેઓ કેન્દ્રીય એજન્સીઓનો સતત સંપર્ક કરે છે અને જાણવા મથે છે કે એફબીઆઈએ કોઈ માહિતી આપી કે નહીં?
કૌભાંડના મુખ્ય સૂત્રધાર હિતેશ ઠક્કર અને મયૂર માંગરોળિયાની ધરપકડ થયા બાદ જામીન પર છુટકારો થયો હતો. હિતેશની પત્ની સહિત ૨૨ આરોપીઓને પોલીસે ઝડપ્યા હતા. સોલા પોલીસની તપાસમાં મળેલા દસ્તાવેજોમાં ફરાર હિતેશની સામે એફબીઆઈએ કરેલી કાર્યવાહીની ફાઈલ મળી હતી. જેમાં હિતેશ સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ થયાની વિગતો ખૂલી હતી.
આરોપી હિતેશ હિંગળાજા ગુજરાત અને પૂણેના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક ધરાવતો હોવાથી કોલ સેન્ટરોમાં અમેરિકન નાગરિકોના ડેટા પૂરા પાડતો હતો. જેના બદલામાં હિતેશ આંગડિયા મારફતે માતબર રકમ મેળવતો હતો.
આ કૌભાંડ માટે એવું પણ ચર્ચાય છે કે સોલા પોલીસ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવી નહોતી. હિતેશ હિંગળાજાની સિંગાપુર પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો હતો. આ વાતની જાણ એફબીઆઈને થતા હિતેશ હિંગળાજાનો કબજો મેળવવા માટે સિંગાપુરની કોર્ટમાં કાર્યવાહી કરી હતી અને કબજો મેળવી લેવાની પરવાનગી પણ મેળવી હતી. એ પછી હિતેશને લઈ એફબીઆઈ યુએસ લઈ ગઈ હતી. એફબીઆઈ દ્વારા હિતેશની કોલ સેન્ટલ મામલે પૂછપરછ કરીને આ કૌભાંડમાં ગુજરાત, મહારાષ્ટ્રના સામેલ લોકોની માહિતી મેળવી હતી. જેમાં ગુજરાતના અડધો ડઝન લોકો કોલ સેન્ટરમાં રાજકારણી, પોલીસ અધિકારી સાથે ભાગીદાર હોવાનું બહાર આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter