ચોટીલાઃ અખિલ ભારતીય કોળી સમાજનું મહાસંમેલન સમાજના આર્થિક, શૈક્ષણિક અને સામાજિક વિકાસના ઉદ્દેશ સાથે ચોટીલામાં યોજાયું હતું. જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધ્યું હતું. મોદીએ કહ્યું કે, આ સમાજનો ખાલી વોટબેંક માટે ઉપયોગ કરાય છે. સમાજનો એક હિસ્સો શિક્ષણમાં પાછળ હોવાથી શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવું પડશે. હું જવાનોને મળવા સરહદે ગયો ત્યારે મને ત્યાં એક કોળી સમાજનો યુવક મળ્યો હતો. કોળી સમાજના ભાઈઓ મજબૂત બાંધાના છે જેનો તેમણે સદુપયોગ કરવો જોઈએ.
ભાજપી કોળી નેતા કુંવરજી બાવળિયાએ જસદણની પેટાચૂંટણીમાં જીત મેળવી હોવાથી આ અવસરે તેમનું સન્માન પણ થયું હતું અને મોદીએ તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી હતી. મોદીએ સમાજ અને કુંવરજીને કહ્યું કે, મારા તરફથી તમે બે ડગલા ચાલશો તો હું ત્રણ ડગલા ચાલવા તૈયાર છું. આ સભામાં ઉપસ્થિત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, અમે છેવાડાના માનવીને વિકાસનાં ફળ મળે તે માટે સહિયારા પ્રયાસ કરીએ છીએ.

