ગાંધીનગર: કોવિડ-૧૯ વૈશ્વિક સંકટ સામે ગુજરાતની કામગીરી સંદર્ભે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા તૈયાર કરાયેલા ગુજરાત રિસ્પોન્સ ટુ કોવિડ-૧૯ નામના એક વિસ્તૃત અહેવાલનું ૨૨મી જાન્યુઆરીએ WHOના ભારત સ્થિત પ્રતિનિધિ ડો. રોડ્રીકો ઓફ્રિનએ વિમોચન કર્યું હતું. સ્વર્ણિમ સંકુલ - ૧ના નર્મદા હોલમાં યોજાયેલા આ વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત સરકારી અધિકારીઓ, ડોક્ટર્સ સહિતના કોરોના વોરિયર્સને સંબોધતાં નાયબ મુખ્ય પ્રધાન નીતિ પટેલે કહ્યું કે, કોરોનાનું સંક્રમણ અકાવવા ગુજરાતે જે શ્રેષ્ઠ કામગારી કરી છે તેનો સમગ્ર જશ હું મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષપદે રચાયેલી કોર કમિટિને આપું છું.
છેલ્લા ૧૦ મહિનાથી દિવાળીના તહેવારોને બાદ કરતાં એક પણ દિવસ એવો નથી કે કોર કમિટીની બેઠક મળી ન હોય. આ બેઠકમાં રાજ્યના નાગરિકો કેમ સુરક્ષિત કરવા એ માટે ચર્ચા બાદ યોગ્ય નિર્ણયો કર્યાં તેના પરિણામલક્ષી ત્વરિત આયોજનના પરિણામે આ શક્ય બન્યું છે. દેશમાં ગુજરાત જ એક માત્ર રાજ્ય છે કે જેણે આ કામ કરી બતાવ્યું છે. સિનિયર સચિવોને વિવિધ શહેરોની જવાબદારી સોંપી તેમણે ત્યાં કેમ્પ કરીને કામગીરી કરી છે. જેથી સફળતા મળી છે.
WHOએ ગુજરાતના IIPMના વડા ડો. દિલીપ માવળંકર અને IIMના પ્રો. રંજન. ઘોષ મારફતે કોરોના મહામારી સંદર્ભે રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો.
કોરોનાના વૈશ્વિક સંકટ સાથે ગુજરાતે નાગરિકો સાથે એક થઈને જે લડાઈ લડી છે. એના પરિણામે સંક્રમણને રોકવામાં મહદઅંશે સફળતા મળી છે. ગુજરાતે કરેલી બેસ્ટ પ્રેક્સિસિસ અને અસરકારક આરોગ્ય સંસ્થા WHO દ્વારા સમગ્ર દેશમાં માત્ર ગુજરાતની પસંદગી કરીને અહેવાલ બનાવ્યો છે. તે આવનારા સમયમાં ભારત સહિત અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બનશે તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો
એક તરફ WHOએ ગુજરાત કોરોના સામે ખૂબ જ સમજકારી પૂર્વક લડ્યું એવો અહેવાલ આપ્યો છે ત્યારે ૨૬મીના અહેવાલો અનુસાર રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયાના સારા સમાચાર છે. મંગળવારના છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના માત્ર ૩૮૦ પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૫૯૮૬૭ થઈ હતી. મંગળવારે મૃતકોની સંખ્યા ૧ અમદાવાદ અને ૧ સુરતમાં એમ કુલ બે નોંધાઈ હતી અને ગુજરાતમાં આ દિવસે બે દર્દીઓનાં મૃત્યુ થતાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૪૩૮૧ થયો હતો. આ દિવસે ૬૩૭ લોકો કોરોનામાંથી સાજા થતાં કુલ રિકવરી આંક ૨૫૧૪૦૦ થયો હતો. ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને ૯૬.૭૪ ટકાએ પહોંચ્યો છે.
પહેલી ફેબ્રુઆરીથી રાત્રિ કરફ્યૂ હટે તેવી શક્યતા
કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું હોવાથી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ હોવાથી રાજકીય ગતિવિધિ વધારવા ૧લી ફેબ્રુઆરીથી અમદાવાદ સહિતના રાજ્યના મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂ હટે તેવી શક્યતા છે. હાલમાં રાત્રે ૧૦થી સવારે પાંચ વાગ્યા સુધી કરફ્યૂ છે. જો કરફ્યૂ સંપૂર્ણપણે હટાવવામાં નહીં આવે તો પણ કરફ્યૂના સમયમાં વધારે છૂટછાટો અપાઈ શકે છે.


